ચોક બજાર ખાતે ગઈકાલે સાંજે દિવાળીની ખરીદી કરીને આવતી વખતે મોપેડને બાઈક ચાલકે ટક્કર મારતા નીચે પડી ગયેલા દંપતીને નાની મોટી ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મૂળ વડોદરાના છાણીના વતની અને હાલમાં ચોક બજારના વેડ રોડ બહુચર નગર પાસે દ્વારકાધીશ એપાર્ટમેન્ટમાં રહેતા 53 વર્ષીય ઠાકોરભાઈ મગનભાઈ શ્રીમાળી મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે.
ગઈકાલે સાંજે તે તેમની પત્ની કુસુમબેન સાથે મોપેડ પર દિવાળીની ખરીદી કરવા ચોકબજારના પંડોળ ખાતે કાપડની દુકાનમાં ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે વેડ રોડ પંડોળના ગેટ નંબર બે પાસે પૂરપાટ હંકારતા મોટરસાયકલ ચાલક મોપેડને ટક્કર મારી ભાગી ગયો હતો.
જેથી મોપેડ પરથી નીચે પડી ગયેલા દંપતીને નાની મોટી ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ચોકબજાર પોલીસે તપાસ આદરી છે.