ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જયસુખભાઈ ડોબરીયાએ બદલ્યું ખેતીનું ગણિત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામના પ્રગતિશીલ ખેડૂત જયસુખભાઈ ડોબરીયાએ પ્રાકૃતિક ખેતી દ્વારા અનોખી સિદ્ધિ મેળવી છે. તેમણે માત્ર બે વીઘા જમીનમાં ગાય આધારિત પદ્ધતિથી શેરડીનું વાવેતર કર્યું છે. એક જ સિઝનમાં અંદાજિત 3 થી 4 લાખ રૂપિયાનું ઉત્પાદન મળતા તેમની ખેતી વિસ્તારની ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલ શેરડીની કાપણી શરૂ થઈ છે અને પાકની ગુણવત્તા સૌને આકર્ષી રહી છે.
૧૭ વીઘામાં ગાય આધારિત ખેતીનો મોડેલ
જયસુખભાઈ ડોબરીયા માત્ર એક પાક સુધી સીમિત નથી રહ્યા, પરંતુ કુલ ૧૭ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમાં બે વીઘામાં શેરડી અને બાકીના વિસ્તારોમાં મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકો ઉગાડવામાં આવે છે. તેઓ રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓનો સંપૂર્ણ ત્યાગ કરે છે. દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર અને કુદરતી દ્રાવણો તેમના ખેતીનો આધારસ્તંભ છે.
ઓછા ખર્ચે વધુ આવક આપતો શેરડીનો પાક
પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલી શેરડીમાંથી એક વીઘે આશરે ૧.૫ થી ૨ લાખ રૂપિયાનું ઉત્પાદન મળતું હોવાનું તેઓ જણાવે છે. આ રીતે બે વીઘામાંથી એક સિઝનમાં 3 થી 4 લાખ રૂપિયાની આવક શક્ય બની છે. ખાસ વાત એ છે કે ખેતીમાં ખર્ચ ખૂબ ઓછો આવે છે. પરિણામે નફાનો આંકડો નોંધપાત્ર રીતે વધી જાય છે.
અન્ય પાકોમાં પણ મળતા સારા પરિણામો
શેરડી ઉપરાંત મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકોમાં પણ પ્રાકૃતિક ખેતીના ફાયદા સ્પષ્ટ જોવા મળ્યા છે. એક વીઘામાં એક સિઝનમાં આશરે ૪૦થી ૫૦ હજાર રૂપિયાનું ઉત્પાદન સરળતાથી મળે છે. જમીનની ઉપજશક્તિ વધે છે અને પાણીની જરૂરિયાતમાં ઘટાડો થાય છે. લાંબા ગાળે જમીન વધુ ઉર્વર બનતી જાય છે.
આરોગ્ય, પર્યાવરણ અને બજારની માંગ
જયસુખભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીથી માત્ર આવક જ નહીં, પરંતુ આરોગ્ય અને પર્યાવરણને પણ લાભ થાય છે. જમીનમાં જીવાણુઓ સક્રિય રહે છે અને પાક વધુ સ્વસ્થ બને છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલી ઉપજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવાથી બજારમાં તેની માંગ વધી રહી છે. આ કારણે ખેડૂતોને સારો ભાવ મળતો રહે છે.
અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત
વધતા ખેતી ખર્ચના સમયમાં જયસુખભાઈ ડોબરીયા જેવા ખેડૂતો નવી દિશા બતાવી રહ્યા છે. ઓછા ખર્ચે ટકાઉ અને નફાકારક ખેતી શક્ય છે તે તેમણે સાબિત કર્યું છે. તેમની સફળતા જોઈને આસપાસના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળવા લાગ્યા છે. જેજાદ ગામ હવે પ્રાકૃતિક ખેતીનું ઉદાહરણ બની રહ્યું છે.

