લીમડો, કુવારપાઠું અને મધથી બનતા સાબુ: ભાવનગર જિલ્લાના ગામડામાં ઉદ્યોગસાહસિક વિચાર
સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં આજના સમયમાં મહિલાઓ સખી મંડળ સાથે જોડાઈ આત્મનિર્ભર બનતી જોવા મળી રહી છે. પોતાની અંદર રહેલી કળા અને હૂનરને ઉપયોગમાં લઈ વિવિધ વસ્તુઓ બનાવી તેઓ વેચાણ કરી રહ્યા છે. સરકાર દ્વારા મળતી સહાય અને માર્ગદર્શન મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરી રહ્યું છે. તાલીમો દ્વારા તેમને વ્યવસાયિક સમજ આપવામાં આવી રહી છે, જેના કારણે ગામડાં સુધી રોજગારીના નવા અવસરો ઊભા થયા છે.
તાલીમથી ગૃહ ઉદ્યોગ સુધીની સફર
સખી મંડળ સાથે જોડાયેલી મહિલાઓ ખાખરા, ભરત ગૂંથણ, સુશોભન સામગ્રી તેમજ ખાણીપીણીની વિવિધ વસ્તુઓ તૈયાર કરી રહી છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા નાના મોટા ગૃહ ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે. ઘર બેઠા કામ કરીને મહિલાઓ સારી એવી આવક મેળવી રહી છે. આ પ્રવૃત્તિએ પરિવારની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો લાવ્યો છે.
ગુંદાળા ગામે કુદરતી સાબુનો વ્યવસાય
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગુંદાળા ગામે રહેતા મનોજભાઈ અને તેમના પત્ની હાનિકારક કેમિકલ વગરના સાબુ અને શેમ્પૂ તૈયાર કરી રહ્યા છે. અગાઉ બંને ખેતી તેમજ છૂટક મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા હતા. હવે ખેતીની સાથે સાથે આ ગૃહ ઉદ્યોગ પણ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. ગામડાંથી શરૂ થયેલો આ વ્યવસાય હવે અન્ય જિલ્લાઓ અને મોટા શહેરો સુધી પહોંચ્યો છે.
15 હજારથી વધુની માસિક આવક
મનોજભાઈ લાઠીયાના જણાવ્યા મુજબ તેમના પત્ની છેલ્લા દોઢથી બે વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. સખી મંડળની બહેનો સાથે જોડાઈ તેમણે સાબુ, શેમ્પૂ અને માથાના તેલ બનાવવાની શરૂઆત કરી. મનોજભાઈ ખેતીમાંથી સમય કાઢી આ વ્યવસાયમાં મદદરૂપ બની રહ્યા છે. આ પ્રયત્નો દ્વારા દર મહિને 15,000 રૂપિયા કરતા વધુની આવક તેઓ મેળવી રહ્યા છે.
લીમડો અને કુવારપાઠાંથી બનેલા સાબુ
હાલમાં લીમડો, કુવારપાઠું, હળદર અને મધ જેવા કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને પાંચથી છ પ્રકારના સાબુ તૈયાર થાય છે. સાબુનો ભાવ 25 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. આ સાથે શેમ્પૂનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. ગામની આસપાસ તેમજ સોશિયલ મીડિયા મારફતે મળતા ઓર્ડર અનુસાર વેચાણ કરવામાં આવી રહ્યું છે.

