સંગીત સાથે સેવા, નવસારીમાં લોક ડાયરાથી શરૂ થશે આંખોની રોશનીનું મહાઅભિયાન
ગરીબીના કારણે આંખોની સારવારથી વંચિત રહેતા હજારો લોકોને નવી રોશની આપવા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રસ્ટે આવનારા એક વર્ષમાં કુલ 15,000 નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ છેવાડાના અને આર્થિક રીતે નબળા વર્ગ સુધી આધુનિક આંખની સારવાર પહોંચાડવાનો છે. સેવા અને માનવતાને કેન્દ્રમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ભંડોળ એકત્ર કરવા સુપા ગામે ભવ્ય લોક ડાયરો
આ મહાલક્ષ્યને સાકાર કરવા પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછા 5,000 ઓપરેશન માટે ભંડોળ એકત્ર કરવાનું આયોજન કરાયું છે. આ હેતુસર નવસારી જિલ્લાના સુપા ગામે 4 જાન્યુઆરીના રોજ વિશાળ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ આ લોક ડાયરામાં અંદાજે 8,000થી 10,000 લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાંથી પ્રાપ્ત થનાર તમામ આવક સીધી રીતે ગરીબ દર્દીઓની આંખોની સારવારમાં ખર્ચવામાં આવશે.
અત્યાર સુધીમાં હજારો દર્દીઓને મળી ચૂકી છે નવી રોશની
ટ્રસ્ટના પ્રતિનિધિઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુરત ખાતે છેલ્લા સાડા ત્રણ વર્ષથી કાર્યરત સંસ્થાએ અત્યાર સુધી 29,554થી વધુ નિઃશુલ્ક મોતિયાની સર્જરી સફળતાપૂર્વક કરી છે. હોસ્પિટલમાં અદ્યતન મશીનો અને નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારવાર આપવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે અહીં માત્ર વયસ્કો નહીં પરંતુ એક મહિના જેટલા નાનકડા બાળકની આંખની સર્જરી પણ સફળ રીતે કરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારો સુધી સેવા પહોંચાડતી મોબાઈલ વ્યવસ્થા
શહેરોથી દૂર રહેતા લોકો સુધી આંખોની તપાસ અને સારવાર પહોંચે તે માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ ઓપ્ટિકલ વાન ચલાવવામાં આવી રહી છે. આ વાન મારફતે ઓછી કિંમતમાં આંખોની તપાસ કરવામાં આવે છે જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકો લાભ લઈ શકે. સંસ્થા આગામી સમયમાં રાજ્યભરમાં 100 વિઝન સેન્ટર શરૂ કરવાની યોજના ધરાવે છે. આ અભિયાન અંતર્ગત નવસારીના મરોલી ખાતે પહેલું વિઝન સેન્ટર હાલ કાર્યરત છે.
લોક ડાયરો બનશે સેવા, સંગીત અને માનવતાનું સંગમ
ભારતમાં અંદાજે એક કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે SVNM ટ્રસ્ટ છેવાડાના માનવી સુધી પહોંચવા પ્રતિબદ્ધ હોવાનું સંસ્થાના આગેવાનોએ જણાવ્યું. ટ્રસ્ટના પ્રમુખ ડૉ. ભાવિન જે. પટેલ, ઉપપ્રમુખ ડૉ. ભાવિન ભુવા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી અને અરવિંદભાઈ પટેલે આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં હાજરી આપવા જાહેરને આમંત્રણ આપ્યું છે. સુપા ગામનો લોક ડાયરો સંગીત સાથે સેવા અને માનવતાનો જીવંત ઉદાહરણ બનશે.

