તેજસ્વી વિદ્યાર્થીઓના સપનાને પાંખ આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
ધોરણ 12 પછી મેડિકલ કે ડેન્ટલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે ખર્ચ મોટો પડકાર બની રહે છે. અનેક વાલીઓ માટે આ અભ્યાસનો ખર્ચ વહન કરવો મુશ્કેલ બની જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહારો મળે છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો હેતુ
ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2015-16થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં સહાય કરવાનો છે. વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12માં 80 કે તેથી વધુ પર્સેન્ટાઈલ ધરાવતા વિદ્યાર્થીઓને લાભ મળે છે. MBBSમાં NEET આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પણ આ સહાય માટે પાત્ર બને છે.
આવક મર્યાદા અને મેડિકલ-ડેન્ટલ સહાય
આ યોજનાનો લાભ લેવા માટે વાલીઓની વાર્ષિક કુટુંબ આવક 6 લાખ રૂપિયા સુધી હોવી જરૂરી છે. મેડિકલ અને ડેન્ટલ અભ્યાસ માટે ટ્યૂશન ફીના 50 ટકા અથવા 2 લાખ રૂપિયા, જેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે. આ સાથે રહેવા અને જમવા માટે 12 હજાર રૂપિયાની મદદ પણ મળે છે. પ્રથમ વર્ષમાં પુસ્તકો અથવા સાધનો માટે 10 હજાર રૂપિયાની વધારાની સહાય મળે છે.
અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે સહાય
એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આયુર્વેદ, નર્સિંગ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પણ યોજના લાગુ પડે છે. આ અભ્યાસ માટે ટ્યૂશન ફીના 50 ટકા અથવા 50 હજાર રૂપિયા સુધીની સહાય મળે છે. વિદ્યાર્થીઓને રહેવા-જમવા માટે 12 હજાર રૂપિયા આપવામાં આવે છે. પ્રથમ વર્ષમાં પુસ્તકો અને સાધનો માટે 5 હજાર રૂપિયાની સહાય પણ ઉપલબ્ધ છે.
ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે લાભ અને માર્ગદર્શન
ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળે છે. આવા વિદ્યાર્થીઓને ટ્યૂશન ફીના 50 ટકા અથવા 25 હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. રહેવા અને જમવા માટે 12 હજાર રૂપિયા તથા પ્રથમ વર્ષે પુસ્તકો માટે 3 હજાર રૂપિયાની મદદ મળે છે. રાજ્યભરમાં તાલુકા અને જિલ્લાવાઈઝ કુલ 326 હેલ્પ સેન્ટર્સ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે.

