મહમદ ગઝનીના આક્રમણથી લઈને સરદાર પટેલના સંકલ્પ સુધીની યાત્રા વર્ણવતું અનમોલ પુસ્તક
સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ વિદેશી આક્રમણખોરો દ્વારા ભારતની સાંસ્કૃતિક અસ્મિતા પર જે કુઠારાઘાત થયો હતો તેની ચર્ચા ફરી શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક વિશેષ લેખમાં એક ઐતિહાસિક પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો, જેને લઈને ઈતિહાસમાં રુચિ ધરાવતા લોકોમાં ભારે જિજ્ઞાસા જોવા મળી રહી છે. ગુગલ સર્ચ એન્જિન પર પણ આ પુસ્તક વિશે જાણવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે.
આ ચર્ચિત પુસ્તક એટલે કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા વર્ષ ૧૯૫૧માં લખાયેલું ‘સોમનાથ: ધ શ્રાઇન ઈટર્નલ’ છે. આ પુસ્તકમાં ભગવાન સોમનાથના મંદિરના ઐતિહાસિક પ્રવાસ અને તેના ધાર્મિક મહત્વનો ઊંડો પરિચય આપવામાં આવ્યો છે. વડાપ્રધાનના ઉલ્લેખ બાદ આ પુસ્તક ફરી એકવાર વાચકો અને ઈતિહાસકારોના કેન્દ્રસ્થાને આવ્યું છે, જે ગુજરાત અને ભારતની શ્રદ્ધાના પ્રતિક સમાન સોમનાથની ગાથા આલેખે છે.
ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધર ક.મા. મુનશી
કનૈયાલાલ માણેકલાલ મુનશી માત્ર એક કુશળ રાજકારણી જ નહીં પણ ઉચ્ચ કોટિના સાહિત્યકાર પણ હતા. તેમણે ગુજરાતના ઇતિહાસને જીવંત રાખવા માટે અનેક ગ્રંથોની રચના કરી છે. સામાન્ય રીતે ગુજરાતી વાચકો અંગ્રેજી પુસ્તકો તરફ ઓછું ધ્યાન આપતા હોય છે, પરંતુ મુનશીએ અંગ્રેજીમાં લખેલા આ પુસ્તકે ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસને વૈશ્વિક ફલક પર મૂકવાનું કાર્ય કર્યું છે અને તે આજે પણ શિરોમણી ગણાય છે.
ઇતિહાસ અને પુરાતત્વનો અનોખો સંગમ
આ પુસ્તકમાં મુનશીએ સોમનાથ મંદિરને ભારતની સાંસ્કૃતિક ધરોહર તરીકે વર્ણવ્યું છે. પાટણની પ્રભુતા અને જય સોમનાથ જેવી મહાન કૃતિઓ આપનાર આ લેખકે અહીં મંદિરના સ્થાપત્ય અને પુરાતત્વીય પુરાવાઓ રજૂ કર્યા છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના આ સમયમાં આ પુસ્તક વાંચવું એ દરેક ભારતીય માટે ગૌરવની વાત છે, કારણ કે તે મંદિરના નિર્માણ અને તેની અનંતકાળની યાત્રાને સમજાવે છે.
આસ્થાના પાયા પર રચાયેલો દસ્તાવેજ
ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત આ પુસ્તક પાછળનો હેતુ આધુનિક જ્ઞાનને પ્રાચીન સંસ્કારો સાથે જોડવાનો છે. મુનશીએ આ પુસ્તક મે ૧૯૫૧માં મંદિરના પુનઃસ્થાપન અને જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ખૂબ જ ટૂંકા સમયમાં તૈયાર કર્યું હતું. લેખક પોતે સ્વીકારે છે કે આ પુસ્તક કોઈ શૈક્ષણિક વિદ્વત્તાના દાવા માટે નહીં, પરંતુ એક પરમ શ્રદ્ધાળુ તરીકે લોકો સુધી સત્ય પહોંચાડવા માટે લખાયેલું છે.
ચાર ભાગમાં વિભાજીત સોમનાથની ગાથા
પુસ્તકને મુખ્ય ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે જેમાં પૌરાણિક કથાઓથી લઈને પથ્થરોમાં કંડારાયેલા સ્થાપત્યની વિગતો છે. ત્રીજા ભાગમાં પુરાતત્વીય ઉત્ખનન દ્વારા મળેલા પ્રાચીન પુરાવાઓ અને ચોથા ભાગમાં વિદેશી ઇતિહાસકારોના લખાણોનો સમાવેશ થાય છે. લેખકે સોમનાથને ચંદ્રના દેવ અને રાખમાંથી ફરી બેઠા થતા ફીનિક્સ પક્ષીની ઉપમા આપી છે, જે દર્શાવે છે કે આ મંદિર અનેક આક્રમણો છતાં અજેય રહ્યું છે.
રાષ્ટ્રીય આત્માના પુનરુત્થાનનું આલેખન
ગઝનીથી લઈને ઔરંગઝેબ સુધીના શાસકોએ કરેલા વિનાશને મુનશીએ માત્ર ઈમારતનો ધ્વંસ નહીં પણ રાષ્ટ્રીય આત્મા પર થયેલો આઘાત ગણાવ્યો છે. પુસ્તકનો સૌથી મહત્વનો અંશ સરદાર વલ્લભભાઈ પટેલના તે સંકલ્પ પર આધારિત છે જે તેમણે ૧૯૪૭માં સમુદ્રતટે લીધો હતો. આ પુસ્તક નવી પેઢીને એ સંદેશ આપે છે કે સોમનાથ એ માત્ર પથ્થરોનું મંદિર નથી, પરંતુ ભારતની અખંડ શ્રદ્ધા અને સ્વાભિમાનની અનંત જ્યોતિ છે.

