WPL 2026: હરલીન દેઓલ 47 રને ‘રિટાયર્ડ આઉટ’! કોચના એક વિવાદાસ્પદ નિર્ણયે ટીમની બાજી બગાડી

4 Min Read

WPL 2026: હરલીન દેઓલ 47 રને ‘રિટાયર્ડ આઉટ’! કોચના એક અજીબ નિર્ણયે યુપી વોરિયર્સની બાજી બગાડી

મુંબઈ: વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સીઝનમાં મેદાન પર કંઈક એવું બન્યું જેણે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાયેલી સાતમી લીગ મેચમાં, યુપીની સ્ટાર બેટર હરલીન દેઓલ જ્યારે પોતાની અડધી સદીની નજીક હતી, ત્યારે તેને અચાનક ડગઆઉટમાં બોલાવી લેવામાં આવી હતી. કોચ અભિષેક નાયરના આ ‘રિટાયર્ડ આઉટ’ ના નિર્ણયે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.

શું હતી સમગ્ર ઘટના?

યુપી વોરિયર્સ પ્રથમ બેટિંગ કરી રહી હતી અને હરલીન દેઓલ શાનદાર લયમાં જણાતી હતી. તેણે 36 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 47 રન બનાવી લીધા હતા. ટીમનો સ્કોર 17 ઓવરના અંતે 3 વિકેટે 141 રન હતો. ચાહકો તેની ફિફ્ટીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ત્યારે જ હેડ કોચ અભિષેક નાયરે ઈશારો કરીને હરલીનને મેદાનની બહાર બોલાવી લીધી.

- Advertisement -

wo.jpg

નિયમ મુજબ તેને ‘રિટાયર્ડ આઉટ’ જાહેર કરવામાં આવી જેથી તેની જગ્યાએ કોઈ બિગ-હિટર બેટર આવીને રન રેટ વધારી શકે. આ નિર્ણય જોઈને ખુદ હરલીન પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને ભારે હૈયે પેવેલિયન પરત ફરી હતી.

- Advertisement -

નિર્ણય ઉંધો પડ્યો: 154 રનમાં સમેટાઈ ટીમ

કોચનો આ જુગાર ટીમ માટે મોટો ફટકો સાબિત થયો. હરલીન મેદાનની બહાર ગઈ તે સાથે જ યુપીની ઇનિંગ્સ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. 17 ઓવરમાં 141 રન બનાવનાર ટીમ આગામી 3 ઓવરમાં માત્ર 13 રન જ ઉમેરી શકી અને 20 ઓવરના અંતે 8 વિકેટે 154 રન જ બનાવી શકી. દિલ્હી કેપિટલ્સે આ લક્ષ્યાંક માત્ર 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો અને યુપીને 7 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો.

કેપ્ટન મેગ લેનિંગે કર્યો બચાવ

હાર બાદ જ્યારે યુપી વોરિયર્સની કેપ્ટન મેગ લેનિંગને આ નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “ક્લો ટ્રાયન જેવી પ્લેયર મોટા શોટ્સ રમી શકે છે, અમે તેનો ફાયદો ઉઠાવવા માંગતા હતા. હરલીન ખૂબ સારું રમી રહી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં બેટિંગ થોડી મુશ્કેલ બની રહી હતી. અમે ટીમ હિતમાં આ નિર્ણય લીધો હતો. ક્યારેક આવા પ્રયોગો સફળ થાય છે, તો ક્યારેક નહીં. આજે તે અમારા પક્ષમાં ન રહ્યો.”

- Advertisement -

સોશિયલ મીડિયા પર કોચની ટીકા

અભિષેક નાયરના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા સખત ટીકા કરવામાં આવી રહી છે. ક્રિકેટ પ્રેમીઓનું માનવું છે કે જે પ્લેયર સેટ થઈ ગઈ હોય તેને અડધી સદી પહેલા બહાર બોલાવવી એ તેના આત્મવિશ્વાસ સાથે ચેડા કરવા સમાન છે. આ હાર સાથે યુપી વોરિયર્સની આ સીઝનમાં મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે તેઓ હજુ સુધી એક પણ મેચ જીતી શક્યા નથી.

Share This Article