ભૂપેન્દ્ર પટેલનું લક્ષ્ય: ગુજરાતને બનાવવું વિશ્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ કોરિડોર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપરાંત મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિસાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ખોરજમાં GIDC દ્વારા ઉપલબ્ધ કરાયેલી 1750 એકર જમીન પર ₹35,000 કરોડના રોકાણ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ-ઓવર સેરેમની આજે ગાંધીનગર ખાતે યોજાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘મેક ઈન ઈન્ડીયા, મેક ફોર ધ વર્લ્ડ’ના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને સાકાર કરતા આ પ્રોજેક્ટ અન્વયે દર વર્ષે 2.5 લાખ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 4 પ્લાન્ટ મળીને કુલ 10 લાખ કાર પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ વિકસાવવામાં આવશે. મારુતિના આ નવા પ્લાન્ટથી સંભવિત 12 હજારથી વધુ લોકોને રોજગાર અવસર મળશે. એટલું જ નહીં, આ પ્લાન્ટના પરિણામે આસપાસના વિસ્તારોમાં એન્સીલીયરી યુનિટ્સ અને MSME એકમો પણ સ્થપાશે, જેનાથી અંદાજે 7.50 લાખથી વધુ પરોક્ષ રોજગારી મળતી થશે અને એક સમગ્ર ક્લસ્ટરનું નિર્માણ થવાથી ઓટો હબ તરીકેની ગુજરાતની ઓળખને વધુ બળ મળશે.
મુખ્યમંત્રીશ્રીએ @Maruti_Corp દ્વારા પ્રોજેક્ટ રોકાણને આવકારતા કહ્યું કે, આ માત્ર એક નવી ઓટોમોબાઇલ ઉત્પાદન સુવિધા જ નથી પરંતુ દેશના સૌથી મોટા અને સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ કોરિડોરને વધુ સુદ્રઢ કરવાનું મહત્વનું પગલું પણ છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-ગુજરાત-જાપાનનના સુદ્રઢ સંબંધોનો વિશેષ ઉલ્લેખ કરીને પોતાની જાપાન મુલાકાત દરમિયાન સુઝુકીના CEOએ ગુજરાતને સેકન્ડ હોમ તરીકે ઓળખાવ્યું હતું તે ભરોસો જાળવી રાખવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીની લીડરશીપમાં સસ્ટેનેબલ પોલીસીઝ મેકિંગથી ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ બન્યું છે તેમજ રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબના વિકાસ અભિગમની પ્રતિષ્ઠા પણ ગુજરાતે મેળવેલી છે.
