સરકારી જમીન, દબાણ અને વિકાસકામોને લઈને જિલ્લા સંકલન બેઠકમાં મહત્વની ચર્ચા
સુરત કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને માત્ર કાગળ પર નહીં, પણ સ્થળ વિઝિટ કરીને ગંભીરતાપૂર્વક ઉકેલવા. છેલ્લા છ મહિનાના પ્રશ્નોના નિકાલ અંગેનો ‘પ્રોગ્રેસિવ રિપોર્ટ’ રજૂ કરવા પણ તેમણે તાકીદ કરી હતી.
બારડોલી અને અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ
બેઠકમાં વિવિધ ધારાસભ્યોએ લોકહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા:
-
બારડોલી: ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે ચોમાસામાં પાણીના નિકાલની સમસ્યા રજૂ કરતા કલેક્ટરે ડ્રેનેજ અને નગરપાલિકાને સાથે મળીને દબાણો દૂર કરવા આદેશ આપ્યા હતા. અસ્તાન કન્યા વિદ્યાલય પાસે રેલવે ઓવરબ્રિજની કામગીરી ઝડપી કરવા પણ સૂચના અપાઈ હતી.
-
ઓલપાડ/બરબોધન: ધારાસભ્ય મુકેશભાઈ પટેલે સરકારી જમીનો પરના દબાણો હટાવવા રજૂઆત કરી હતી.
-
GIDC વિસ્તાર: ધારાસભ્ય મનુભાઈ પટેલે ખાડી પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા રજૂઆત કરી હતી, જેના સંદર્ભે જી.આઈ.ડી.સી.ના અધિકારીઓને તાકીદે કાર્યવાહી કરવા જણાવાયું હતું.
-
શિક્ષણ: ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સરકારી કોલેજ માટે જમીન ફાળવણીનો મુદ્દો રજૂ કર્યો હતો.
સરકારી મિલકતોનું જતન અને વીજ બચત
કલેક્ટરશ્રીએ એક મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું હતું કે જિલ્લાના તમામ ગામોમાં આવેલી સરકારી મિલકતો અને જમીનો ૭/૧૨ના સરકારી ચોપડે નોંધાયેલી છે કે નહીં તેની ચકાસણી કરી પ્રોસેસ પૂરી કરવી. આ ઉપરાંત, તમામ સરકારી કચેરીઓમાં વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવા અને વિકાસ કામોની ગ્રાન્ટનો સમયસર ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી.
વહીવટી તંત્રની ઉપસ્થિતિ
આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી સંદિપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ વિભાગોને સંકલનમાં રહીને પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
