અનક્લેમ્ડ થાપણો અને બચત પરત કરવાની દિશામાં મોટું પગલું, ગાંધીનગરથી શરૂ થયેલ અભિયાનની ગુજરાતમાં મોટી સિદ્ધિ
કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમન દ્વારા ગાંધીનગરથી શરૂ કરાયેલ નાણાકીય જાગૃતિ અભિયાન ‘તમારા પૈસા, તમારો અધિકાર’ અંતર્ગત ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં રાજ્યના નાગરિકોને તેમની હક્કની રૂ. ૧૦૪.૬૧ કરોડની રકમ સ્વમાનભેર પરત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકો કે વીમા કંપનીઓમાં લાંબા સમયથી પડેલી ‘અનક્લેમ્ડ’ (બિનદાવાપાત્ર) રકમ તેના સાચા માલિકો સુધી પહોંચાડવાનો છે.
ગુજરાતમાં અભિયાનની પ્રગતિ અને આંકડા
ડિસેમ્બર ૨૦૨૫ સુધીની સ્થિતિએ ગુજરાતમાં નીચે મુજબની સિદ્ધિ હાંસલ થઈ છે:
-
કુલ દાવા: ૨૬,૮૭૪ નાગરિકોએ પોતાની થાપણો પરત મેળવવા અરજી કરી.
-
પરત મળેલી રકમ: રૂ. ૧૦૪.૬૧ કરોડની મૂડી પરિવારોને પરત મળી.
-
બાકી રકમ: હજુ પણ ગુજરાતની બેંકોમાં અંદાજે રૂ. ૨,૮૩૬.૮૦ કરોડ અને વીમા ક્ષેત્રમાં રૂ. ૨૩૫ કરોડ બિનદાવાપાત્ર પડ્યા છે.
દેશભરમાં અનક્લેમ્ડ રકમનું વિશાળ માળખું
ભારતમાં નાગરિકોની અબજો રૂપિયાની મહેનતની કમાણી વિવિધ નાણાકીય સંસ્થાઓમાં ક્લેમ વગર પડી છે:
-
કુલ અનક્લેમ્ડ રકમ: દેશભરમાં અંદાજે રૂ. ૧.૮૨ લાખ કરોડ.
-
RBI પાસે ટ્રાન્સફર: ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં બેંકોએ રૂ. ૭૫,૦૦૦ કરોડથી વધુ રકમ RBI ને ટ્રાન્સફર કરી છે.
-
અન્ય ક્ષેત્રો: વીમામાં રૂ. ૧૪,૦૦૦ કરોડ, મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. ૩,૦૦૦ કરોડ અને શેર્સમાં રૂ. ૧૯,૦૦૦ કરોડ ક્લેમ વગરના છે.
એક જ પ્લેટફોર્મ પર તમામ સેવાઓ
નાણા મંત્રાલય હેઠળ કાર્યરત આ ઝુંબેશમાં RBI, SEBI, IRDAI, PFRDA અને IEPFA જેવી સંસ્થાઓ એકસાથે મળીને કામ કરી રહી છે. ડિજિટલ પ્રદર્શનો અને હેલ્પડેસ્ક દ્વારા નાગરિકોને તેમની ભૂલી ગયેલી બચત શોધવામાં મદદ કરવામાં આવે છે. આ અભિયાન માત્ર પૈસા પરત કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને શિક્ષણ અને આરોગ્ય માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો એક પ્રયાસ છે.

