મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા અને સ્વચ્છ ભારત મિશન સહિત ગ્રામ વિકાસ યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું
શ્રમ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભુજ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મંત્રીશ્રીએ કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગા પર ફોકસ
બેઠકમાં નિયામક નિકુંજ પરીખે જિલ્લાની વિવિધ સિદ્ધિઓ રજૂ કરી હતી. મંત્રીશ્રીએ નીચે મુજબની બાબતો પર વિશેષ ભાર મૂક્યો હતો:
-
આવાસ યોજના: જે લાભાર્થીઓ પાસે પ્લોટ નથી તેમને તાત્કાલિક પ્લોટ ફાળવવા અને ગામતળ નીમ કરવાની વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવી. બાંધકામની ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા કડક સૂચના આપી હતી.
-
મનરેગા: સક્રિય જોબકાર્ડનું સતત મોનિટરિંગ કરી ગ્રામીણ શ્રમિકોને રોજગારી સુનિશ્ચિત કરવી.
-
સ્વચ્છ ભારત મિશન: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ડોર-ટુ-ડોર કલેક્શન અને સામૂહિક કમ્પોસ્ટ પીટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
‘લખપતિ દીદી’ અને મહિલા સશક્તિકરણ
મિશન મંગલમ હેઠળ કાર્યરત સખી મંડળોની બહેનોના આર્થિક ઉત્થાન માટે મંત્રીશ્રીએ નવીન સૂચનો આપ્યા હતા:
-
નવી તાલીમ: સખી મંડળની બહેનોને આજના સમય મુજબ ITI ખાતે નવા કૌશલ્ય વર્ધન અને સર્ટિફિકેટ કોર્સની તાલીમ આપવી.
-
વેચાણ પ્લેટફોર્મ: શહેરો અને મોટી પંચાયતોમાં ‘ગ્રામહાટ’ બનાવીને મહિલાઓને પોતાની ચીજવસ્તુઓના વેચાણ માટે કાયમી જગ્યા પૂરી પાડવી.
-
રણોત્સવમાં તક: રણોત્સવ દરમિયાન સખી મંડળોને ફાળવવામાં આવેલા સ્ટોલ અને તેના થકી થયેલા વેચાણની વિગતો મેળવી મંત્રીશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ ગ્રામીણ વિકાસ માટે ઊભી કરાયેલી સુવિધાઓના નિભાવ અને અમલીકરણમાં આવતા પડકારોને દૂર કરવા વહીવટી તંત્રને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

