૧૩૬ કરોડના ખર્ચે વિકસિત અટલ સરોવર બન્યું રાજકોટના શહેરી આયોજનનું મોડેલ, ૧૪ લાખથી વધુ પર્યટકોની મુલાકાત
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ વિકસિત ‘અટલ સરોવર’ શહેરી આયોજનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. માર્ચ ૨૦૨૪માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન બાદ, ૧ મે ૨૦૨૪થી તેને જનતા માટે ખુલ્લું મુકાયું હતું. ટૂંકા ગાળામાં જ ૧૪ લાખથી વધુ પર્યટકોએ અહીં મુલાકાત લઈ આધુનિક સુવિધાઓનો આનંદ માણ્યો છે.
પર્યાવરણ અને ટેકનોલોજીનો સમન્વય: ‘3-R’ સિદ્ધાંત
અટલ સરોવરનું નિર્માણ ૭૫ એકરમાં પર્યાવરણની જાળવણીને પ્રાધાન્ય આપીને કરવામાં આવ્યું છે:
-
જલ સંચય: ૭૫ એકર પૈકી ૨૫ એકરમાં ૪૭૭ મિલિયન લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. બાકીની ૫૦ એકર જમીન લેન્ડસ્કેપ અને મનોરંજન માટે ફાળવવામાં આવી છે.
-
3-R સિદ્ધાંત: આ પ્રોજેક્ટમાં ‘Reduce, Reuse, Recycle’ નો અમલ કરાયો છે. ચોમાસામાં કુદરતી પાણીનો સંગ્રહ થાય છે, જ્યારે ઉનાળામાં સ્માર્ટ સિટીના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ (TTP) માંથી રિસાયકલ કરેલું પાણી સરોવરમાં ઠાલવવામાં આવે છે.
-
સૌર ઉર્જા: વાહન પાર્કિંગમાં સોલર પેનલ લગાવાઈ છે, જે ૧૦૦૦ ટુ-વ્હીલર અને ૬૦૦ ફોર-વ્હીલર માટે છાયાની સાથે ઉર્જા પણ પેદા કરે છે.
પર્યટકો માટેના મુખ્ય આકર્ષણો
૧૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સરોવર માત્ર જળાશય નથી, પણ એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે:
૧. મનોરંજન: બોટિંગ, ટૉય ટ્રેન, જાયન્ટ વ્હીલ (ફેરીસ વ્હીલ) અને બાળકો માટે અદ્યતન બાળ ઉદ્યાન.
૨. સુવિધાઓ: સાયકલ ટ્રેક, વોકિંગ પાથ, બે એમ્ફીથિયેટર અને વિશાળ પ્રવેશ પ્લાઝા.
૩. ખાણી-પીણી અને વેપાર: ઓપન અને ક્લોઝ્ડ ફૂડ કોર્ટ તેમજ ‘ગ્રામહાટ’ હેઠળ ૪૨ દુકાનો વિકસાવવામાં આવી છે, જે રોજગારી અને આવકનું સાધન બની છે.
૪. વિશેષતા: રાત્રિના સમયે આકર્ષક લાઈટ એન્ડ સાઉન્ડ શો અને ભવ્ય ધ્વજ સ્તંભ સરોવરની સુંદરતામાં વધારો કરે છે.
વહીવટી તંત્ર દ્વારા ૧૫ વર્ષ સુધી આ સરોવરની જાળવણી અને સંચાલનનો ખર્ચ પણ આ પ્રોજેક્ટમાં જ સામેલ કરવામાં આવ્યો છે, જે રાજકોટને વૈશ્વિક કક્ષાના સ્માર્ટ શહેરોની હરોળમાં મૂકે છે.

