અવસરનો યોગ્ય ઉપયોગ અને અડગ મહેનત : દાહોદના સુરજભાઈ ચૌહાણ બન્યા યુવા પ્રેરણાસ્ત્રોત
ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ત્રિભેટે આવેલો દાહોદ જિલ્લો હવે માત્ર પછાત કે આદિવાસી વિસ્તાર તરીકે નહીં, પણ પ્રતિભાશાળી યુવાનોના હબ તરીકે ઓળખાઈ રહ્યો છે. દાહોદના ફ્રીલેન્ડગંજમાં રહેતા ૨૩ વર્ષીય સુરજભાઈ કલ્યાણભાઈ ચૌહાણે પોતાની મહેનત અને ધ્યેયથી સાબિત કર્યું છે કે જો મનમાં સંકલ્પ હોય તો ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ સપના પૂરા કરી શકાય છે.
શૈક્ષણિક પ્રગતિ અને સફળતાનો પાયો
સૂરજ ચૌહાણે પોતાની શૈક્ષણિક સફર સ્થાનિક શાળાઓમાં પૂર્ણ કરી, જેમાં ધોરણ ૧૨માં તેઓ જિલ્લામાં પ્રથમ સ્થાને રહ્યા હતા. હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટી ખાતે અંગ્રેજી વિષયમાં માસ્ટર ડિગ્રી કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૮થી વિજ્ઞાન મેળાથી શરૂ થયેલી તેમની સફળતાની સીડી આજે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે.
રાષ્ટ્રીય મંચ પર દાહોદનું પ્રતિનિધિત્વ
સૂરજની સિદ્ધિઓ દાહોદ માટે ગૌરવ સમાન છે:
-
ઈસરોની મુલાકાત: વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન શ્રીહરિકોટા (ISRO) ખાતે દાહોદ તરફથી પ્રતિનિધિત્વ કરનાર તેઓ એકમાત્ર યુવાન હતા.
-
સિયાચીન બેઝ કેમ્પ: વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય ધ્વજ પ્રશ્નોત્તરી સ્પર્ધા જીતી લદ્દાખના સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લીધી. જ્યાં ૨ લાખ સહભાગીઓમાંથી પસંદ થયેલા ૨૫ વિજેતાઓમાં તેઓ એકમાત્ર ગુજરાતી હતા અને મંત્રી મનસુખ માંડવીયા દ્વારા સન્માનિત થયા હતા.
-
VBYLD-૨૦૨૬: ચાલુ વર્ષે ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ (VBYLD) માં ટોપ ૫૦માં સ્થાન મેળવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પાથબ્રેકર બન્યા છે.
સંઘર્ષ અને પ્રેરણા
સૂરજના પિતા વર્ષ ૨૦૧૬માં અવસાન પામ્યા હતા. માતાના આશીર્વાદ અને પોલીસ વિભાગમાં કાર્યરત મોટાભાઈના સહયોગથી સૂરજે ક્યારેય હિંમત હારી નથી. તેઓ પોતાની સફળતાનો શ્રેય મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને સરકાર દ્વારા મળેલા ‘માય ભારત’ (MY BHARAT) જેવા પ્લેટફોર્મને આપે છે.
યુવા પેઢીને સંદેશ
સૂરજ ચૌહાણનું માનવું છે કે, “આપણું ભવિષ્ય સમાજનો સહકાર નહીં, પણ સ્વયંની સમજ અને સંકલ્પ નક્કી કરે છે.” તેમણે આજના યુવાઓને સમય વેડફવાને બદલે સરકારની યોજનાઓ અને તકોનો લાભ ઉઠાવી મોટા સપના જોવાની પ્રેરણા આપી છે.

