સેમિકન્ડક્ટરથી સ્પોર્ટ્સ સિટી સુધી, અમદાવાદના સર્વાંગી વિકાસની રૂપરેખા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક પર્વે રજૂ કરી
અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું અને પોલીસ દળોની પ્રભાવશાળી માર્ચ પાસ્ટને સલામી આપી હતી.
ઔદ્યોગિક ક્રાંતિ: સેમિકન્ડક્ટર અને ઓટોમોબાઈલ હબ
શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ જિલ્લાના આધુનિક ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકતા મહત્ત્વની વિગતો આપી:
-
સેમિકન્ડક્ટર હબ: સાણંદ અને ધોલેરામાં ૪ નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપવા જઈ રહ્યા છે, જે ભારતને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં મોખરે લાવશે.
-
ઓટોમોબાઈલ ઇકોસિસ્ટમ: માંડલ-વિઠ્ઠલાપુર અને ખોરજ ખાતે મારુતિ સુઝુકીનો વાર્ષિક ૧૦ લાખ કાર ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ આકાર લેશે.
-
ફ્યુચર સિટી: ધોલેરા ખાતે ભારતનું પ્રથમ આયોજનબદ્ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી અને દેશનો પહેલો પ્રાઈવેટ સેટેલાઈટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અમદાવાદની ઓળખ બનશે.
કાયદો-વ્યવસ્થા અને મહિલા સુરક્ષા
રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું:
૧. ડ્રગ્સ વિરોધી અભિયાન: ૫,૪૮૨ ડ્રગ્સ પેડલરોને જેલભેગા કરી રાજ્યને નશામુક્ત બનાવવાની દિશામાં મક્કમ ડગલાં.
૨. ઝડપી ન્યાય: દીકરીઓ પર અત્યાચાર કરનારા ૧૪ ગુનેગારોને ફાંસી અને ૯૦૭ ને આજીવન કેદની સજા અપાવી ગુજરાતે દેશમાં દાખલો બેસાડ્યો છે.
૩. ચાઈલ્ડ રેસ્ક્યુ: છેલ્લા પાંચ વર્ષમાં ૧૭,૪૭૧ ગુમ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે.
સ્પોર્ટ્સ સિટી અને સાંસ્કૃતિક વારસો
અમદાવાદ હવે ૨૦૩૬ના ઓલિમ્પિક અને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ‘સ્પોર્ટ્સ સિટી ઓફ ઇન્ડિયા’ તરીકે તૈયાર થઈ રહ્યું છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને અટલ બ્રિજ જેવી સુવિધાઓ શહેરની નવી ઓળખ બની છે. લોથલ ખાતે બની રહેલું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતની પ્રાચીન દરિયાઈ સંસ્કૃતિને જીવંત કરશે.

