ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે તેજ ગતિ, સાણંદ બનશે ચિપ હબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ સાણંદમાં કેન્સ (Kaynes) સેમિકોનની અત્યાધુનિક OSAT સુવિધાનું ઉદઘાટન કરશે. આશરે રૂ. ૩,૩૦૦ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન છે. વડાપ્રધાનના મતે, આ દાયકો ભારત માટે ટેકનોલોજીના ક્ષેત્રમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આ પ્લાન્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને વૈશ્વિક સ્તરે ભારતની એક નવી ઓળખ ઉભી થશે.
ઓટોમોબાઇલ હબ સાણંદ હવે બનશે વૈશ્વિક સેમિકન્ડક્ટર સેન્ટર
એક સમયે માત્ર ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે જાણીતું સાણંદ હવે ઝડપથી સેમિકન્ડક્ટર હબમાં પરિવર્તિત થઈ રહ્યું છે. માઇક્રોન ટેકનોલોજી અને સીજી સેમિ જેવા મોટા પ્લાન્ટ્સ બાદ કેન્સ સેમિકોનની એન્ટ્રીથી સાણંદ હવે તાઇવાન અને દક્ષિણ કોરિયાના પ્રખ્યાત ટેક-શહેરોની હરોળમાં આવી ગયું છે. OSAT પ્લાન્ટમાં ચિપ્સનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવે છે. એક અંદાજ મુજબ, આ નવા પ્લાન્ટમાં દરરોજની અંદાજે ૬૦ લાખ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે, જે સ્થાનિક અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે.
માત્ર ૯૦૦ દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરીને ભારતે સર્જ્યો ઇતિહાસ
ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે જે ગતિએ કામ કર્યું છે તે વિશ્વ માટે અભ્યાસનો વિષય બન્યો છે. જૂન ૨૦૨૩માં MoU થયા બાદ ફેબ્રુઆરી ૨૦૨૬માં માઇક્રોન પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ગયું, જે કામ અન્ય વિકસિત દેશોમાં વર્ષો લેતું હોય છે તે ભારતે માત્ર ૯૦૦ દિવસમાં પૂર્ણ કરી બતાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ આ સફળતાનો શ્રેય સ્પષ્ટ નીતિ અને દેશના વિકાસ પ્રત્યેની નિષ્ઠાને આપ્યો છે. આ ઝડપી પ્રક્રિયાને કારણે વિદેશી રોકાણકારોનો ભારત પરનો વિશ્વાસ વધ્યો છે અને ભારત સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો મહત્વનો હિસ્સો બની ગયું છે.
ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ૨.૦: સંપૂર્ણ ઇકોસિસ્ટમનું નિર્માણ
સરકારનું લક્ષ્ય માત્ર ફેક્ટરીઓ સ્થાપવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ એક આખી ઇકોસિસ્ટમ તૈયાર કરવાનું છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ૨.૦’ હેઠળ ડિઝાઇન એન્જિનિયરિંગથી લઈ મશીન નિર્માણ અને લોજિસ્ટિક્સ સુધીના તમામ સ્તરો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશમાં ૧૦ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે, જેમાંથી ૪ મહત્વના પ્રોજેક્ટ્સ ગુજરાતમાં આકાર લઈ રહ્યા છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ સ્થાનિક સ્તરે મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માંગ વધશે, જે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે વિકાસની નવી તકો ઉભી કરશે.