લાખો શ્રદ્ધાળુઓ માટે વિશાળ તૈયારીઓ, વધારેલા રવેડી રૂટ અને ૨૯૦૦થી વધુ પોલીસ સાથે જૂનાગઢ સજ્જ
જૂનાગઢમાં ગિરનારની ગોદમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આયોજન માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આગામી ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મેળાને ‘મિની કુંભ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે મેળાને વધુ યાદગાર બનાવવા માટે પ્રથમવાર સાધુ-સંતોના આગમન સમયે એક અલૌકિક અને ભવ્ય નગરયાત્રા કાઢવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓની સુવિધા અને આસ્થાનો આદર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મેળાના આયોજનમાં શ્રદ્ધાળુઓની આસ્થાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. દર વર્ષે રવેડીનો રૂટ ૧.૫ કિલોમીટરનો હોય છે, જેમાં આ વર્ષે ૫૦૦ મીટરનો વધારો કરીને કુલ ૨ કિલોમીટર કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે લાખો શિવભક્તો પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શન વધુ સારી રીતે કરી શકશે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા સમગ્ર રૂટને ભગવાન શિવની થીમ પર રોશની અને સુશોભનથી શણગારવામાં આવશે.
ચુસ્ત સુરક્ષા અને અદ્યતન વ્યવસ્થાઓ
લાખોની મેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. પોલીસ જવાનોની સંખ્યા ૧૬૦૦ થી વધારીને ૨૯૦૦ કરવામાં આવી છે. સમગ્ર મેળા વિસ્તાર પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા નવી પહેલ કરીને ૧૦૦૦ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ માટે શુદ્ધ પીવાનું પાણી, મોબાઈલ શૌચાલય અને રહેવા માટે ડોરમેટરી જેવી પાયાની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
સામાજિક સેવા અને લોકભાગીદારી
જૂનાગઢની ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ અને અન્નક્ષેત્રો દ્વારા ભાવિકો માટે નિ:શુલ્ક ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બેઠક દરમિયાન મહાશિવરાત્રી મેળાના ખાસ ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને આ શ્રદ્ધાના પર્વમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. શાહી સ્નાનના પવિત્ર અવસરનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે, જેથી ઘેર બેઠા ભક્તો પણ આ દિવ્યતાના સાક્ષી બની શકે.

