૧૮ બહેનો ‘લખપતિ દીદી’ તરીકે સન્માનિત, ૧૦ સખીમંડળોને રૂ.૩૩ લાખની સહાય
જામનગર તાલુકાના ધુંવાવમાં કાર્યરત એસ.બી.આઈ. ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) ખાતે વિકાસ કામોનો નવો માર્ગ મોકળો થયો છે. એસ.બી.આઈ. ના રૂ. ૧.૨૮ કરોડના CSR ફંડ દ્વારા તૈયાર થયેલ કમ્પાઉન્ડ વોલ, બિલ્ડિંગ બેઝ અને એપ્રોચ રોડનું ઉદ્ઘાટન જામનગર કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર શ્રી બાલાજીકુમાર સિંઘસામંતાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
‘લખપતિ દીદી’ અને સખીમંડળનું સન્માન
મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આ કાર્યક્રમ એક મહત્વનું પ્લેટફોર્મ બન્યો હતો:
-
લખપતિ દીદી પુરસ્કાર: સ્વરોજગાર દ્વારા વાર્ષિક ૧ લાખથી વધુની આવક મેળવતી ૧૮ સખીમંડળની બહેનોને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
-
આર્થિક સહાય: ૧૦ સખીમંડળના બહેનોને તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધારવા માટે રૂ. ૩૩ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
-
કૌશલ્ય પ્રદર્શન: સંસ્થામાં તાલીમ લઈ સફળ બનેલા ઉદ્યમી બહેનોએ પોતાના હસ્તકલા અને અન્ય ઉત્પાદનોના સ્ટોલ લગાવી મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું.
ગ્રામીણ સ્વરોજગાર અને વહીવટી સહયોગ
આર.સેટી સંસ્થા ગ્રામીણ વિસ્તારના યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે. કાર્યક્રમમાં આરબીઆઈ અને એસબીઆઈના ઉચ્ચ અધિકારીઓએ ગ્રામીણ વિકાસ એજન્સીના સહયોગથી ચાલતા વિવિધ તાલીમ પ્રોગ્રામોની પ્રશંસા કરી હતી. નવનિર્મિત સુવિધાઓને કારણે હવે તાલીમાર્થીઓને વધુ અનુકૂળ અને આધુનિક વાતાવરણમાં શીખવાની તક પ્રાપ્ત થશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને આભારવિધિ
આ ગરિમાપૂર્ણ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી એસ. એમ. કાથડ અને એસબીઆઈના જનરલ મેનેજર શ્રી અનિલ કુમાર આહિરવાલ સહિત રાજ્યભરના લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરો હાજર રહ્યા હતા. આર.સેટી જામનગરના નિયામક શ્રી વિજય સિંહ આર્યએ તમામ મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાની પ્રગતિનો ચિતાર આપ્યો હતો. સમગ્ર આયોજનમાં એસ.બી.આઈ.ના એ.જી.એમ. શ્રી વિરેન રાજા અને એલ.ડી.એમ. શ્રી પ્રદિપ પટેલનો મહત્વનો સહયોગ રહ્યો હતો.
