દોડ, સમયમાપન અને ડિજિટલ ઓળખ સાથે ઉમેદવારોની ચોક્કસ ચકાસણી માટે ઉચ્ચ સ્તરીય તકનિકી વ્યવસ્થા અમલમાં
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની શારીરિક કસોટીઓનું નિરીક્ષણ કરવા માટે રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવ આજે વહેલી સવારે અમદાવાદના સૈજપુરબોઘા ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. પોલીસ વડાની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, ક્ષતિરહિત અને ટેકનોલોજી સભર રીતે ચાલી રહી છે કે નહીં તેની ખાતરી કરવાનો હતો.
ટેકનોલોજી અને પારદર્શિતા પર વિશેષ ભાર
મુલાકાત દરમિયાન ડૉ. રાવે ભરતી પ્રક્રિયાના દરેક તબક્કાનું ઊંડાણપૂર્વક અવલોકન કર્યું હતું:
-
RFID ટેગ અને ટાઈમિંગ: રનિંગ ટ્રેક પર ઉમેદવારોના વ્યક્તિગત ટાઈમિંગ અને લેપ-વાઈઝ રેકોર્ડિંગ માટે વપરાતા RFID ટેગની કાર્યપદ્ધતિ નિહાળી હતી.
-
ડિજિટલ મોનિટરિંગ: સમગ્ર ગ્રાઉન્ડ પર લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફ દ્વારા થઈ રહેલા રિયલ-ટાઈમ મોનિટરિંગની સમીક્ષા કરી હતી.
-
ઉમેદવારોની સુવિધા: કોલલેટરની ચકાસણી અને ચેસ્ટ નંબર ફાળવવાની પ્રક્રિયામાં ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થાઓ તપાસી હતી.
SOP મુજબની કામગીરીની સરાહના
રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે સમગ્ર ભરતી પ્રક્રિયા ભરતી બોર્ડની Standard Operating Procedure (SOP) મુજબ અત્યંત સુચારૂ રીતે ચાલી રહી છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી માનવીય ભૂલની શક્યતાઓ નહિવત થઈ ગઈ છે, જે ઉમેદવારોમાં વિશ્વાસ પેદા કરે છે. તેમણે ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવેલી પીવાના પાણી, છાંયડો અને અન્ય પાયાની સુવિધાઓને પણ બિરદાવી હતી.
