રણની કડકડતી ઠંડીમાં અડગ મનોબળ: તલોદની ડૉ. પૂર્વી શાહ બની ગુજરાતની ચોથી મહિલા LRM સાયકલિસ્ટ
સાબરકાંઠા જિલ્લાના તલોદના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. પૂર્વી ચિરાગભાઈ શાહે સાયકલિંગના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ‘ઓડેક્સ ઇન્ડિયા રેન્ડોનર્સ’ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત LRM ૧૨૦૦ કિમીની અત્યંત કપરી સાયકલિંગ ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરી તેઓ અમદાવાદના પ્રથમ અને ગુજરાતના ચોથા મહિલા સાયકલિસ્ટ બન્યા છે. ડૉ. રજનીભાઈ શાહની પુત્રવધૂ પૂર્વીબેને પુરવાર કર્યું છે કે મક્કમ નિર્ધાર હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.
રણ પ્રદેશની ઠંડી અને ૧૨૦૦ કિમીનો પડકાર
૨૨ જાન્યુઆરીના રોજ અમદાવાદથી શરૂ થયેલી આ સફર પુષ્કર થઈને પરત અમદાવાદ પહોંચવાની હતી. ડૉ. પૂર્વીએ ૧૨૦૦ કિમીનું આ વિશાળ અંતર માત્ર ૮૮ કલાક અને ૧૪ મિનિટમાં કાપ્યું હતું. રાજસ્થાનના રણ વિસ્તારમાં જ્યારે તાપમાન ૧.૫ થી ૨ ડિગ્રી જેટલું નીચું હતું, ત્યારે પણ તેમણે હિંમત હાર્યા વગર સાયકલિંગ ચાલુ રાખ્યું હતું. નિર્ધારિત ૯૦ કલાકની સમયમર્યાદા પહેલા તેમણે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
વૈશ્વિક માન્યતા અને મક્કમ મનોબળ
ફ્રાન્સની સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત આ સ્પર્ધા કેટલી કઠિન હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કુલ ૧૭ સ્પર્ધકોમાંથી માત્ર ૧૦ રાઈડર્સ જ નિર્ધારિત સમયમાં સ્પર્ધા પૂર્ણ કરી શક્યા હતા. ડૉ. પૂર્વીએ આ સફળતા પાછળ પોતાના પરિવારનો સહયોગ અને સાથી રાઈડર્સના પ્રોત્સાહનને મુખ્ય ગણાવ્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ તલોદ સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લાના તબીબી અને રમતજગત ક્ષેત્રે ખુશીની લહેર છવાઈ ગઈ છે.
