Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનોની પાંખો એકબીજા સાથે અથડાઈ

2 Min Read

Mumbai Airport મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ટેક્સી વે પર મૂવમેન્ટ દરમિયાન એર ઈન્ડિયા અને ઈન્ડિગોના બે વિમાનોની પાંખો (Wingtips) એકબીજા સાથે ઘસાઈ હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 2732 કોઈમ્બતુર જવા માટે ટેક્સી વે પર સ્થિર ઊભી હતી. તે જ સમયે, હૈદરાબાદથી મુંબઈ લેન્ડ થયેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 791 પાર્કિંગ તરફ જઈ રહી હતી ત્યારે બંને વિમાનોની ડાબી બાજુની પાંખો એકબીજા સાથે ટકરાઈ હતી. મુસાફરો સુરક્ષિત, ફ્લાઈટ ગ્રાઉન્ડેડ
બંને એરલાઈન્સે પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જોકે, ટક્કરને કારણે એર ઈન્ડિયાના વિમાનની પાંખને નુકસાન થયું છે, જેના કારણે સુરક્ષાના કારણોસર તે વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડેડ (સેવા બહાર) કરી દેવામાં આવ્યું છે.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પાંખો વચ્ચેના સંપર્કને કારણે અમારા વિમાનને નુકસાન થયું છે. મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવ્યા છે અને તેમને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.” બીજી તરફ, ઈન્ડિગોનું વિમાન પણ હાલ મેન્ટેનન્સ નિરીક્ષણ હેઠળ છે.

DGCA દ્વારા તપાસના આદેશ
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આ ગંભીર બેદરકારીની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં એ જોવામાં આવશે કે આ ભૂલ ગ્રાઉન્ડ સ્ટાફના સિગ્નલને કારણે થઈ છે કે પાઈલટની ગણતરીમાં કોઈ ભૂલ હતી.

- Advertisement -
Share This Article