અભિષેક શર્માના રેન્કિંગ સામે ખતરો: દક્ષિણ આફ્રિકાનો ડેવાલ્ડ બ્રેવિસ આપશે કડક પડકાર
ICC T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતના યુવા વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા માટે મુશ્કેલીઓ વધી રહી છે. દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે તાજેતરના રેન્કિંગમાં મોટો ઉછાળો મારીને ત્રીજા સ્થાને રહેલા અભિષેક શર્માની ખૂબ નજીક પહોંચી ગયો છે. અફઘાનિસ્તાન સામેની આગામી શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી પામેલા અભિષેક શર્મા માટે હવે પોતાનું સ્થાન બચાવવું એક મોટો પડકાર બની ગયું છે.
બ્રેવિસ અને અભિષેક વચ્ચે માત્ર 13 રેટિંગ પોઈન્ટનો તફાવત
તાજેતરમાં જાહેર થયેલી ICC T20 રેન્કિંગમાં એક સમયે નંબર વન સ્થાને રહેલો અભિષેક શર્મા હાલમાં 819 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાનો ડેવાલ્ડ બ્રેવિસ શાનદાર ફોર્મ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે અને તેના હાલમાં 806 રેટિંગ પોઈન્ટ છે. બંને વચ્ચે માત્ર 13 પોઈન્ટનો તફાવત રહ્યો છે.

અભિષેક શર્મા પાછલા કેટલાક સમયથી મોટા સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હોવાથી તેના રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે બ્રેવિસે સતત સારો દેખાવ કરીને પોતાનું રેન્કિંગ સુધાર્યું છે.
ત્રિકોણીય શ્રેણીમાં બ્રેવિસનું ધમાકેદાર પ્રદર્શન
હાલમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા વચ્ચે ત્રિકોણીય T20 શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં બ્રેવિસે વિસ્ફોટક બેટિંગ કરીને વિરોધી ટીમોના બોલરોને મુશ્કેલીમાં મૂક્યા છે. તેણે શ્રેણીની પ્રથમ મેચમાં 75 રન અને બીજી મેચમાં અણનમ 75 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ત્રીજી મેચમાં પણ તેણે 41 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રદર્શનના આધારે તેણે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે.
અભિષેક શર્મા માટે અફઘાનિસ્તાન શ્રેણી અગ્નિપરીક્ષા
દક્ષિણ આફ્રિકાની ત્રિકોણીય શ્રેણીમાં બ્રેવિસ પાસે હજુ પણ કેટલીક મેચો રમવાની તક છે. જો તે આ મેચોમાં વધુ એક-બે મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહેશે, તો તે ભારત અને અફઘાનિસ્તાન શ્રેણી શરૂ થાય તે પહેલાં જ અભિષેક શર્માને પાછળ છોડીને ત્રીજું સ્થાન છીનવી શકે છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ T20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે રમાવાની છે. જો અભિષેકે T20 રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખવું હોય અને ફરીથી ટોપ પર પહોંચવું હોય, તો તેણે અફઘાનિસ્તાન સામેની આ શ્રેણીમાં રનનો ખડકલો કરવો પડશે.
