રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો હાઇકોર્ટમાં નિષ્ફળ: પુરાવા વગરની અરજી અલ્હાબાદ HCની લખનૌ બેન્ચે કરી રદ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી માટે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચ તરફથી ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર આવ્યા છે. રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવા અને રાયબરેલીથી તેમની લોકસભા સભ્યપદને પડકારતી અરજીને અલ્હાબાદ હાઇકોર્ટે રદ કરી દીધી છે.
અરજીકર્તા દ્વારા રાહુલ ગાંધી પર બ્રિટિશ નાગરિક હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે અદાલતે આ આરોપોને સાબિત કરવા માટે પુરાવાઓ માંગ્યા, ત્યારે અરજીકર્તા એક પણ સત્તાવાર અથવા મજબૂત દસ્તાવેજ રજૂ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. પુરાવાના અભાવે કોર્ટે અરજીકર્તાને આ રિટ અરજી પરત ખેંચવાની પરવાનગી આપીને તેને આખરી રીતે રદ કરી દીધી છે.
અરજીકર્તાનો દાવો અને Backops Limited કંપનીનો વિવાદ
અરજીકર્તાએ અદાલતમાં એવો દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પાસે ભારત અને બ્રિટન એમ બેવડી નાગરિકતા છે. તેમના કહેવા મુજબ, રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૦૩ માં યુકે (બ્રિટન) માં ‘M/s Backops Limited’ નામની કંપની સ્થાપી હતી. અરજીમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ કંપનીના રજીસ્ટ્રેશન અને વાર્ષિક રિટર્ન દસ્તાવેજોમાં રાહુલ ગાંધીએ પોતાને કંપનીના ડાયરેક્ટર, મુખ્ય શેરહોલ્ડર અને બ્રિટિશ નાગરિક તરીકે દર્શાવ્યા હતા.

આ આધારે, અરજીકર્તાએ દાવો કર્યો હતો કે ભારતીય બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ બે દેશોની નાગરિકતા એકસાથે રાખી શકતી નથી. તેથી રાહુલ ગાંધીની રાયબરેલીથી લોકસભા સભ્યપદ રદ થવી જોઈએ અને તેમની સામે ભારતીય નાગરિકતા કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
કોર્ટનું વલણ અને પુરાવાનો અસવીકાર
ન્યાયાધીશની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું કે આ પ્રકારના ગંભીર આરોપો મૂકતા પહેલાં યોગ્ય દસ્તાવેજી પુરાવા હોવા અત્યંત જરૂરી છે. કોર્ટે નોંધ્યું કે અરજીકર્તા દ્વારા રજૂ કરવામાં આવેલા કાગળોમાં બ્રિટનના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝનો કોઈ એવો અધિકૃત રેકોર્ડ કે જાહેરનામું નથી જે એ સાબિત કરી શકે કે રાહુલ ગાંધીએ પોતે બ્રિટિશ નાગરિક હોવાની સ્વીકૃતિ આપી હોય.
- કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પત્ર: અરજીકર્તાએ પોતાના દાવાના સમર્થનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલું એક કન્ફર્મેશન લેટર રજૂ કર્યું હતું, જે ‘રાઉલ વિંચી’ (Raul Vinci) નામના વિદ્યાર્થીના અભ્યાસ સાથે સંબંધિત હતું.
- હાઇકોર્ટની ટિપ્પણી: અદાલતે સ્પષ્ટ કર્યું કે આ લેટરથી એ વાત સાબિત થતી નથી કે રાહુલ ગાંધી યુકેના નાગરિક છે. આ દસ્તાવેજ અરજીમાં મૂકાયેલા ગંભીર આરોપોને કોઈ પણ રીતે સમર્થન આપતો નથી.
કોર્ટનો અંતિમ આદેશ અને અન્ય અરજીઓની સ્થિતિ
સુનાવણી દરમિયાન અદાલતે અગાઉ એવો સંકેત પણ આપ્યો હતો કે રાહુલ ગાંધીની નાગરિકતા સંબંધિત મામલો કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય સમક્ષ પણ પેન્ડિંગ છે. પરંતુ અરજીકર્તાના આગ્રહ બાદ કોર્ટે તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી હતી.
જ્યારે કોઈ નક્કર પુરાવા ન મળ્યા, ત્યારે હાઇકોર્ટે આ અરજી પરત ખેંચાયેલી ગણીને તેને ડિસમિસ (ખારિજ) કરી દીધી હતી. જોકે, રાહુલ ગાંધીની નાગરિકતા અને કથિત દસ્તાવેજોને લઈને હાઇકોર્ટની અન્ય એક બેન્ચ સમક્ષ અલગ કાનૂની મામલો લંબિત છે.
આ ચુકાદાથી કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધીને મોટો રાજકીય અને કાનૂની વિજય મળ્યો છે. વિરોધ પક્ષો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતા આ વિવાદ પર હાઇકોર્ટના આ નિર્ણયથી હાલ પૂરતો વિરામ મુકાઈ ગયો છે.

