કેસ રદ કરવાની તૈયારી! અદાણી ગ્રૂપને અમેરિકન કોર્ટમાંથી મળશે મોટી રાહત?
અમેરિકન કોર્ટમાં ગૌતમ અદાણી વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) ને અદાણી વિરુદ્ધના ગુનાહિત આરોપો રદ કરવાની અરજી પર વધુ સ્પષ્ટતા આપવા જણાવ્યું છે. આ સમાચાર બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું કેસ પાછો ખેંચવાની પ્રક્રિયામાં કોઈ અવરોધ આવશે? પરંતુ આ મામલે અમેરિકાના વરિષ્ઠ કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ આદેશ માત્ર એક પ્રક્રિયાગત (procedural) ભાગ છે અને તેનાથી કેસ રદ થવાની પ્રક્રિયા અટકે તેવી શક્યતા નહિવત છે.
શું છે આખો મામલો?
બ્રુકલિન સ્થિત યુ.એસ. ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગેરાફિસે સરકારી વકીલોને અદાણી અને અન્ય આરોપીઓ વિરુદ્ધના આરોપોને રદ કરવાના તેમના નિર્ણય પાછળનું સચોટ કારણ પૂછ્યું છે. ૧૮ મેના રોજ DoJ દ્વારા રજૂ કરવામાં આવેલી અરજીમાં કેસ આગળ ન વધારવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જજે તેને અપૂરતી ગણાવી વધુ વિગતો માંગી છે. ફેડરલ ક્રિમિનલ પ્રોસીજરના નિયમ ૪૮(એ) હેઠળ, સરકારી વકીલોએ કોઈ પણ કેસ પાછો ખેંચતા પહેલા કોર્ટની મંજૂરી લેવી અનિવાર્ય છે. તેથી, જજની આ માંગણી કોઈ કેસને લંબાવવા માટે નહીં, પણ કાયદાકીય પ્રક્રિયાના પાલન માટે છે.
#WATCH | Naxos, Greece | On being asked if US District Judge Nicholas Garaufis can refuse DOJ’s dismissal of charges against Gautam Adani and Sagar Adani, US Lawyer Chris Man says, “It’s unclear. The rule seems to allow for that, but it’s never happened in practice. As a… pic.twitter.com/8MC2UCufWV
— ANI (@ANI) June 28, 2026
કેસ રદ થવાની શક્યતા કેટલી?
અમેરિકાના કાયદાકીય નિષ્ણાત ક્રિસ મેન (Chris Man), જેઓ ફેડરલ ક્રિમિનલ પ્રોસીડિંગ્સના જાણકાર છે, તેમણે જણાવ્યું હતું કે, “જજનો આ આદેશ સંપૂર્ણપણે પ્રક્રિયાગત છે. સામાન્ય રીતે કોર્ટ કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વધારાની સ્પષ્ટતા કે બ્રીફિંગ માંગતી હોય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, મારી દ્રષ્ટિએ આ કેસ મહિનાઓ નહીં પણ થોડા અઠવાડિયામાં જ રદ થઈ જશે. કોર્ટ કદાચ કોઈ વધારાની સુનાવણી રાખ્યા વગર જ આ બાબતે અંતિમ નિર્ણય લઈ શકે છે.
ન્યાયતંત્રની મર્યાદિત સત્તા
અમેરિકી બંધારણ મુજબ, ગુનાહિત કેસોની કાર્યવાહી કરવી એ કારોબારી (Executive Branch) નું કાર્ય છે. એકવાર ન્યાય વિભાગે એવું નક્કી કર્યું હોય કે કેસમાં આગળ વધવું યોગ્ય નથી, ત્યારે ફેડરલ જજ તેમને તપાસ ચાલુ રાખવા માટે દબાણ કરી શકતા નથી. આધુનિક અમેરિકી ઇતિહાસમાં એવા ભાગ્યે જ દાખલા છે કે જેમાં કોઈ જજે સરકારને અનિચ્છાએ કેસ લડવા મજબૂર કરી હોય. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સના કિસ્સામાં પણ આવી જ પ્રક્રિયા થઈ હતી, જ્યાં કોર્ટે ખુલાસો માંગ્યા બાદ અંતે સરકારની વિનંતી સ્વીકારી હતી.
અદાણી ગ્રૂપના બચાવ પક્ષના મજબૂત મુદ્દાઓ
૨૪ જૂન, ૨૦૨૬ના રોજ અદાણીની કાયદાકીય ટીમે કોર્ટમાં જે દલીલો રજૂ કરી હતી, તે કેસને મજબૂત રીતે નબળો પાડે તેવી છે. તેમનો મુખ્ય તર્ક એ છે કે આ મામલો અમેરિકી કાયદાના અધિકારક્ષેત્રમાં આવતો જ નથી:
૧. અધિકારક્ષેત્રનો અભાવ: કંપનીનું કહેવું છે કે આ સોદામાં જે પણ દસ્તાવેજો તૈયાર થયા હતા, તે અમેરિકાની બહાર થયા હતા. તેમાં કોઈ યુએસ ઇશ્યુઅર્સ સામેલ ન હતા અને આખી પ્રક્રિયા અંગ્રેજી કાયદા (English Law) હેઠળ હતી.
૨. સુપ્રીમ કોર્ટનો સંદર્ભ: મોરિસન વિ. નેશનલ ઓસ્ટ્રેલિયા બેંક ના કેસનો ઉલ્લેખ કરીને બચાવ પક્ષે દલીલ કરી છે કે આ કેસ અમેરિકન સિક્યોરિટીઝ લો હેઠળ આવતો નથી.
૩. લાંચની રકમ નથી, પણ વ્યાપારી રાહત છે: અદાણી ટીમે દલીલ કરી છે કે જે ચુકવણીને લાંચ ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં ભારતીય સરકારી વીજ કંપનીઓને સોલાર પાવર એગ્રીમેન્ટ માટે આપવામાં આવેલી વ્યાપારી છૂટછાટો (Price Reductions) હતી.
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનું વિસ્તૃત નિરીક્ષણ
અમેરિકન ન્યાય વિભાગે આ નિર્ણય લેતા પહેલા અદાણી તરફથી મળેલી પુરાવાની લાંબી શ્રેણીની તપાસ કરી હતી. આશરે ૫૦૦ પાનાના દસ્તાવેજોમાં હાર્વર્ડ લો સ્કૂલના પ્રોફેસરો અને ભૂતપૂર્વ SEC કમિશનરના અભિપ્રાયો પણ સામેલ હતા.
સૌથી મહત્વની વાત એ છે કે, આ આખા કેસમાં કોઈ પણ રોકાણકારને આર્થિક નુકસાન થયું હોવાના પુરાવા મળ્યા નથી.
-
૨૦૨૧નો બોન્ડ મેચ્યોર થઈ ગયો છે અને તમામ વ્યાજની ચૂકવણી થઈ ચૂકી છે.
-
૨૦૨૪ના બોન્ડમાં પણ એકપણ હપ્તો બાકી નથી.
-
૨૦૨૧ની લોન સંપૂર્ણપણે પરત કરી દેવામાં આવી છે.
-
૨૦૨૩ની લોન પણ નિયમિત રીતે કાર્યરત છે.