અમદાવાદ શહેર પોલીસને દારૂ પીધેલાને પકડવામાં જ રસ કે શું ? દારૂની હાટડીઓ ચલાવે તેના ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં ? બે દિવસમાં દારૂ પીધેલા 84 લોકો સામે નોંધ્યો ગુનો !
રાજયમાં હોળીના તહેવારમાં નશો કરીને ફરતા લોકો સામે પોલીસ દ્વારા બે દિવસની સ્પેશિયલ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં પોલીસે બે દિવસમાં નશામાં ડ્રાઈવ કરી રહેલા 84 લોકો સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આટલું જ નહીં અમદાવાદમાં ટ્રાફિક પોલીસે 9 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી 24 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
અમદાવાદ પોલીસે હોળી અને ધૂળેટીના તહેવાર પહેલા જ એલર્ટ થઈ ગઈ હતી. હોળી અને ધૂળેટીમાં ભાંગ અને દારુ પી ડ્રાઈવ કરતા લોકો સામે શહેર પોલીસે લાલા આંખ કરી હતી. બે દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા 84 લોકોની ધરપકડ કરી છે. શહેરમાં 250 પોઈન્ટ બનાવીને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંગે પોલીસ ચેકિંગ કરી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ અલગ અલગ પોઈન્ટ પર બ્રેથ એનલાઈઝર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં ઝોન-1માં 10, ઝોન-2માં 15, ઝોન-3માં 7, ઝોન-4માં 21 કેસ કરવામાં આવ્યા તેમજ ઝોન-5માં 12, ઝોન-6માં 6, ઝોન-7માં 4 કેસ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ દરમિયાન 9 દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલમેટ પહેર્યા વગર ફરતા 1365 લોકોને પકડીને રૂ.6,91,850 અને સીટબેલ્ટ પહેર્યા વગર કાર ચલાવતા 3323 લોકોને પકડીને રૂ.16,73,250 દંડ વસૂલ્યો હતો. આમ આ ડ્રાઈવ દરમિયાન 9 દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલમેટ-સીટબેલ્ટ પહેર્યા વગર ફરતા 4688 લોકોને પકડીને રૂ.23.65 લાખ દંડ વસૂલ્યો હતો.રોડ સેફ્ટી માટે ટ્રાફિક પોલીસ અવારનવાર આ પ્રકારે વિશેષ ડ્રાઇવનું આયોજન કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં 2019માં 4191 લોકોના, 2020માં 3597 લોકોના અને 2021માં 4220 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા.