એક વર્ષમાં અમદાવાદમાં 31 હજારથી વધુ શ્વાસના દર્દીઓએ બોલાવી 108 એમ્બ્યુલન્સ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાયુ પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર સીધી અસર જોવા મળી રહી છે. શહેરનો AQI 200ને પાર જતા શ્વાસ સંબંધિત તકલીફો વધી છે. કેટલાક વિસ્તારોમાં તો માસ્ક વગર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ સ્થિતિને કારણે શ્વાસ લેવામાં તકલીફ અનુભવનારા દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે.
એક વર્ષમાં અમદાવાદમાં 31 હજારથી વધુ શ્વાસની તકલીફના ઇમરજન્સી કોલ
વધતા પ્રદૂષણની અસરને કારણે છેલ્લા એક વર્ષ દરમિયાન અમદાવાદમાં જ 31 હજારથી વધુ લોકોએ શ્વાસની તકલીફ માટે 108 એમ્બ્યુલન્સ સેવા બોલાવી છે. રાજ્યભરમાં જો આંકડાઓ પર નજર કરીએ તો દિન પ્રતિદિન હવાની ગુણવત્તા બગડતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. પ્રદૂષિત વાતાવરણ શ્વાસની બીમારીઓ માટે મોટું જોખમ બની રહ્યું છે.
રાજ્યભરમાં 108 ઇમરજન્સીમાં લાખો શ્વાસની તકલીફના કેસ
રાજ્યના આંકડાઓ મુજબ એક વર્ષમાં 108 ઇમરજન્સી સેવામાં 1.29 લાખથી વધુ શ્વાસની તકલીફના કોલ નોંધાયા છે. અમદાવાદમાં 31,162 કેસ સામે આવ્યા છે, જ્યારે સુરતમાં 11,736, વડોદરામાં 8,000 અને રાજકોટમાં 6,237 લોકો શ્વાસની સમસ્યાથી પીડિત હોવાનું નોંધાયું છે. આ આંકડા રાજ્યમાં વધતા વાયુ પ્રદૂષણની ગંભીરતા દર્શાવે છે.
વર્ષ 2024ની સરખામણીએ 2025માં કેસોમાં વધારો
રાજ્યભરમાં વર્ષ 2024 દરમિયાન શ્વાસની તકલીફના 1,24,210 કેસ 108 ઇમરજન્સીમાં નોંધાયા હતા. તેની સામે વર્ષ 2025માં આ આંકડો વધીને 1,29,352 સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને અમદાવાદમાં AQI 200ને પાર રહેતા શિયાળાના સમયમાં અસ્થમા, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ જેવી બીમારીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. પોસ્ટ-કોવિડ સમયગાળામાં COPDના કેસોમાં 30 ટકાનો વધારો થયો હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રદૂષણથી બચવા સાવચેતી જરૂરી: ડૉ. પ્રવિણ ગર્ગ
આ મુદ્દે સિનિયર ફિજીશિયન ડૉ. પ્રવિણ ગર્ગે જણાવ્યું હતું કે અમદાવાદમાં વધતા પ્રદૂષણને કારણે શ્વાસની બીમારીઓના કેસોમાં વધારો થયો છે. તેમણે સલાહ આપી હતી કે જ્યાં વધુ પ્રદૂષણ હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. જરૂરી હોય તો N 95 માસ્કનો ઉપયોગ કરીને સ્વાસ્થ્યની રક્ષા કરવી અનિવાર્ય છે.

