ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને ડ્રગ્સ સામે કડક કાર્યવાહી, અમદાવાદ પોલીસ સજ્જ
31 ડિસેમ્બરના દિવસે શહેર અને જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ દ્વારા આગોતરા આયોજન કરીને વિશેષ બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે તમામ અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓ અને જવાનોનો વિશાળ બંદોબસ્ત
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં લગભગ 150 પોલીસ અધિકારીઓ અને એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓને ખડેપગે તૈનાત કરવામાં આવશે. હાઈવે, શહેરના પ્રવેશ માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પોઈન્ટ ફાળવવામાં આવ્યા છે. વાહન વ્યવહાર સરળ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.
ડ્રોન અને ટેકનોલોજીની મદદથી નજર
પોલીસ દ્વારા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે બ્રેથ એનાલાઈઝર અને બોડી વોર્ન કેમેરા મારફતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સામે કાર્યવાહી હાથ ધરાશે. પાર્ટી, ફાર્મહાઉસ અને ભીડભાડવાળા સ્થળો પર ખાસ દેખરેખ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી
31મી ડિસેમ્બરની રાત્રે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે શહેરના અનેક વિસ્તારોમાં વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દારૂની હેરાફેરી, નશીલા પદાર્થોના સેવન અને ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ કડક વલણ અપનાવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓ સામે તરત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એસ.ઓ.જી. અને એફ.એસ.એલ.ની સંયુક્ત કાર્યવાહી
એસ.ઓ.જી.ની ટીમ દ્વારા એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ, સી.જી. રોડ જેવા વિસ્તારોમાં ડ્રગ્સ કીટ સાથે ચેકિંગ શરૂ કરાયું છે. આ કામગીરીમાં એફ.એસ.એલ.ની ટીમ પણ જોડાઈ છે. ડ્રગ્સ કીટ દ્વારા વ્યક્તિની લાળનો નમૂનો લઈ તરત પરિણામ મેળવવામાં આવે છે, જેથી ઝડપી કાર્યવાહી શક્ય બને છે.

