એરબસનો પ્રારંભિક ટેકનિકલ રિપોર્ટ: ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ એકસાથે થઈ ગઈ નિષ્ક્રિય
૪ ઓગસ્ટના રોજ ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 માં સર્જાયેલી ગંભીર ઘટના માત્ર એક સામાન્ય ટર્બ્યુલન્સ (હવાના દબાણનો આંચકો) નો કેસ નહોતો, પરંતુ તે એક મોટી ટેકનિકલ કટોકટી હતી. વિમાન ઉત્પાદક કંપની ‘એરબસ’ ના પ્રારંભિક એન્જિનિયરિંગ રિપોર્ટ અનુસાર, ફ્લાઇટ દરમિયાન વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ એક પછી એક નિષ્ફળ ગઈ હતી, જેના કારણે લગભગ ૭ સેકન્ડ સુધી વિમાન પર પાયલોટનું કોઈ નિયંત્રણ રહ્યું નહોતું. આ જ નાટકીય ક્ષણો દરમિયાન વિમાન અચાનક ૩૦૦ ફૂટ નીચે ખાબક્યું હતું, જેના પરિણામે વિમાનમાં સવાર કેટલાક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને ઈજાઓ પહોંચી હતી.
કેવી રીતે બની આ સમગ્ર ઘટના?
એરબસ A320neo વિમાનના ‘બ્લેક બોક્સ’ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) માંથી મેળવેલા ડેટાના ડીકોડિંગ આધારે તૈયાર કરાયેલા પ્રારંભિક અહેવાલમાં સમગ્ર ઘટનાક્રમનું સેકન્ડ-બાય-સેકન્ડ પૃથ્થકરણ કરવામાં આવ્યું છે:
૧. ગ્રીન સિસ્ટમની નિષ્ફળતા: સૌપ્રથમ વિમાનની ‘ગ્રીન’ હાઇડ્રોલિક સિસ્ટમ બંધ થઈ ગઈ. સામાન્ય સંજોગોમાં સિસ્ટમ આપમેળે બેકઅપ પર સ્વિચ થાય છે.
૨. બ્લુ અને યલો સિસ્ટમ થંભી: બીજી જ સેકન્ડે વિમાનની ‘બ્લુ’ અને ‘યલો’ હાઇડ્રોલિક સિસ્ટમ પણ નિષ્ફળ ગઈ. બેકઅપનો કોઈ વિકલ્પ ન બચતાં વિમાનને મોડવાનું અને દિશા આપવાનું કામ કરતી મુખ્ય સપાટીઓ (Ailerons અને Elevators) નિષ્ક્રિય થઈ ગઈ.
૩. ઓટોપાયલોટ ડિસ્કનેક્ટ: વિમાનના કંટ્રોલ સરફેસ આશરે ૪ સેકન્ડ સુધી કામ કરતા બંધ રહ્યા હતા. હવાના દબાણને કારણે એઇલરોન ૧૩.૫ ડિગ્રી સુધી નમી જતાં વિમાનનો આગળનો ભાગ (Nose) ઉપરની તરફ થઈ ગયો અને ત્યારબાદ વિમાન અચાનક નીચે તરફ ખાબક્યું.
૪. પાયલોટના કંટ્રોલ બિનઅસરકારક: ઓટોપાયલોટ ડિસ્કનેક્ટ થઈ જતાં પાયલોટે વિમાનને નીચે ઉતારવાનો મેન્યુઅલ આદેશ આપ્યો હતો, પરંતુ સિસ્ટમ બંધ હોવાથી વિમાને પ્રતિભાવ આપ્યો નહોતો.
૫. આપોઆપ સિસ્ટમ રિકવર થઈ: આશરે ૭ સેકન્ડ પછી બ્લુ સિસ્ટમ પુનઃ શરૂ થઈ અને ત્યારબાદ યલો તથા ગ્રીન સિસ્ટમ કાર્યરત થતાં પાયલોટે વિમાન પર ફરીથી કંટ્રોલ મેળવ્યો હતો.
હાઇડ્રોલિક સિસ્ટમ શું છે અને તે કેમ મહત્વની છે?
કારની બ્રેકની જેમ વિમાનની પાંખો અને પૂંછડી પર આવેલી ફ્લેપ્સ તથા કંટ્રોલ સપાટીઓને ખસેડવા માટે તેલના દબાણ (Hydraulic Pressure) ની જરૂર પડે છે. એરબસ A320 વિમાનમાં ગ્રીન, બ્લુ અને યલો એમ ત્રણ સ્વતંત્ર હાઇડ્રોલિક સિસ્ટમ હોય છે. જો એક સિસ્ટમ ફેલ થાય તો બાકીની બે બેકઅપ તરીકે કામ કરે છે. પરંતુ આ ઘટનામાં ત્રણેય સિસ્ટમ એકસાથે નિષ્ફળ જવી એ અત્યંત દુર્લભ અને ગંભીર બાબત ગણવામાં આવે છે.
એરબસે તપાસ અને ચકાસણીના આપ્યા નિર્દેશો
એરબસના રિપોર્ટ મુજબ, હાઇડ્રોલિક ઓઇલ લીકેજ કે પંપ ફેલ્યોરના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ પ્રેશર સ્વીચોમાં નીચું દબાણ નોંધાયું હતું. ખરેખર દબાણ ઘટ્યું હતું કે સેન્સરે ખોટો સિગ્નલ મોકલ્યો હતો, તેની સ્પષ્ટતા માટે એરબસે વધુ તપાસની માંગ કરી છે.
એરબસે એર ઇન્ડિયાને ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમના ઓપરેશનલ ટેસ્ટ કરવા, પ્રેશર ટ્રાન્સડ્યુસર્સ અને લીક-ડિટેક્શન સ્વીચોનું સંપૂર્ણ નિરીક્ષણ કરવા અને વિમાનના વાયરિંગની તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત, અચાનક ૩૦૦ ફૂટ નીચે ખાબકવાને કારણે વિમાનના માળખા (Airframe) પર નિર્ધારિત મર્યાદા કરતા વધુ તણાવ આવ્યો હોવાથી ખાસ માળખાકીય તપાસ (Structural Inspection) હાથ ધરવા જણાવ્યું છે.
તપાસ ચાલુ: AAIB ની આખરી રિપોર્ટની રાહ
નોંધનીય છે કે આ એરબસનું પ્રારંભિક મૂલ્યાંકન છે, આખરી નિષ્કર્ષ નથી. આ ઘટનાનું ચોક્કસ ટેકનિકલ કારણ જાણવા માટે ભારતની એર અકસ્માત તપાસ સંસ્થા (AAIB) હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને એર ઇન્ડિયા દ્વારા આ પ્રારંભિક રિપોર્ટ પર સત્તાવાર ટિપ્પણી આવવાની બાકી છે.