હવે નાના શહેરોથી પણ ભરી શકાશે ઉડાન: ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલીપેડ બનાવશે ભારત સરકાર, જાણો શું છે પ્લાન.
ભારત સરકારના ‘ઉડે દેશ કા આમ નાગરિક’ (UDAN) મિશનને હવે નવી પાંખો મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક મોટો નિર્ણય લેતા ₹૨૮,૮૪૦ કરોડની સુધારેલી એર કનેક્ટિવિટી યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય માણસ માટે હવાઈ મુસાફરીને માત્ર સરળ જ નહીં, પરંતુ ખિસ્સાને પરવડે તેવી સસ્તી બનાવવાનો છે. આગામી ૧૦ વર્ષ એટલે કે ૨૦૩૫-૩૬ સુધી આ યોજના હેઠળ દેશના ખૂણેખૂણે હવાઈ નેટવર્ક ફેલાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ આધુનિક હેલીપેડનું નિર્માણ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું કે, આ સુધારેલી યોજના હેઠળ દેશની જૂની અને બિનઉપયોગી એરસ્ટ્રિપ્સ (હવાઈ પટ્ટીઓ) ને આધુનિક એરપોર્ટમાં ફેરવવામાં આવશે. સરકારનું લક્ષ્ય આગામી ૮ વર્ષમાં આવા ૧૦૦ એરપોર્ટ વિકસાવવાનું છે, જેના માટે ₹૧૨,૧૫૯ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત, પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે ૨૦૦ આધુનિક હેલીપેડ બનાવવાની પણ યોજના છે. આ માટે ₹૩,૬૬૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. એરલાઇન કંપનીઓને પ્રોત્સાહન આપવા અને ટિકિટના દર ઓછા રાખવા માટે સરકાર ₹૧૦,૦૪૩ કરોડની ‘વાયેબિલિટી ગેપ ફંડિંગ’ (VGF) સહાય પણ પૂરી પાડશે. આનો સીધો અર્થ એ છે કે હવે નાના શહેરો (Tier-2 અને Tier-3) થી પણ ફ્લાઈટ પકડવી સામાન્ય જનતા માટે સ્વપ્ન નહીં પણ હકીકત બનશે.
‘મેડ ઈન ઈન્ડિયા’ વિમાનો અને આત્મનિર્ભર ઉડ્ડયન ક્ષેત્ર
આ યોજનાની સૌથી મહત્વની કડી ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન છે. સરકાર હવે વિદેશી વિમાનો પર નિર્ભરતા ઘટાડીને દેશમાં જ બનેલા વિમાનોની ખરીદી પર ભાર મૂકી રહી છે. આ હેતુ માટે ₹૪૦૦ કરોડનું અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે.
-
HAL ધ્રુવ હેલિકોપ્ટર: પવન હંસ માટે ખાસ કરીને સ્વદેશી હેલિકોપ્ટરની ખરીદી કરવામાં આવશે.
-
HAL ડોર્નિયર વિમાન: એલાયન્સ એર (Alliance Air) માટે નાના સ્વદેશી વિમાનો ખરીદવામાં આવશે, જેથી ટૂંકા અંતરની ઉડાનમાં વિમાનોની અછત ન સર્જાય.
આ પગલાથી માત્ર હવાઈ સેવા જ નહીં સુધરે, પણ ભારતમાં વિમાન ઉત્પાદન ક્ષેત્રે રોજગારીની નવી તકો પણ ઊભી થશે. ૨૦૧૬માં શરૂ થયેલી ઉડાન યોજનાએ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં ૧.૬૨ કરોડથી વધુ મુસાફરોને આકાશની સફર કરાવી છે અને હવે આ નવી મંજૂરીથી ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના વિઝનને વેગ મળશે.
આર્થિક વિકાસ અને આરોગ્ય સેવાઓમાં સુધારો
જ્યારે કોઈ નાના શહેરમાં એરપોર્ટ બને છે, ત્યારે માત્ર મુસાફરી સરળ નથી થતી, પણ ત્યાં વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન (Tourism) ને પણ નવી ગતિ મળે છે. સરકારનું માનવું છે કે આ યોજનાથી દૂરદરાજની હેલ્થકેર સિસ્ટમમાં પણ સુધારો થશે. ઇમરજન્સીના સમયે દર્દીઓને મોટા શહેરોની હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ કે હેલિકોપ્ટર દ્વારા ઝડપથી પહોંચાડી શકાશે.
૧૦ વર્ષ સુધી ચાલનારી આ યોજના એરપોર્ટના ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) માટે પણ આર્થિક મદદ પૂરી પાડશે. દરેક એરપોર્ટને વાર્ષિક ₹૩ કરોડ અને હેલીપેડને ₹૯૦ લાખની સહાય ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે. આ લાંબાગાળાનું આયોજન ભારતના એવિએશન સેક્ટરને વિશ્વના નકશા પર વધુ મજબૂત બનાવશે અને સામાન્ય ગુજરાતી માટે પણ ‘હવાઈ ચપ્પલ પહેરનાર વ્યક્તિ હવાઈ જહાજમાં બેસશે’ તે સંકલ્પ સાકાર થશે.

