ચાલુ નાણાકીય વર્ષમાં ક્ષમતા ૩૦% વધારવાનો લક્ષ્યાંક, જાણો સિંગલ-ક્લાસ મોડેલ સાથે અકાસા એર કેવી રીતે કમાશે નફો
ભારતીય આકાશમાં સૌથી યુવા અને ઝડપથી વિસ્તરી રહેલી એરલાઇન કંપની અકાસા એર (Akasa Air) આગામી દિવસોમાં દેશના નાના શહેરો સુધી સસ્તી હવાઈ મુસાફરી પહોંચાડવા માટે એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કરી રહી છે. એરલાઇનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનય દુબેએ સંકેત આપ્યા છે કે કંપની કેન્દ્ર સરકારની પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના ‘ઉડાન’ (UDAN – ઉડે દેશ કા આમ નાગરિક) નો હિસ્સો બનવાની ગંભીરતાથી યોજના બનાવી રહી છે. કંપની હાલમાં દેશભરના તમામ સંભવિત રૂટોનો બારીકાઈથી અભ્યાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
અકાસા એર આવતા મહિને ભારતીય ઉડ્ડયન બજારમાં પોતાની કોમર્શિયલ ફ્લાઇટ સેવાના સફળ ૪ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ ટૂંકા ગાળામાં એરલાઇન્સે ખૂબ જ આક્રમક રીતે પોતાના કાફલા (Fleet) નો વિસ્તાર કર્યો છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં કંપનીએ ૯ નવા અત્યાધુનિક બોઇંગ ૭૩૭ મેક્સ (Boeing 737 Max) વિમાનોની ડિલિવરી મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ બોઇંગને કુલ ૨૨૬ વિમાનોનો એક મોટો ઓર્ડર આપેલો છે, જેમાંથી બાકીના ૧૮૬ વિમાનો વર્ષ ૨૦૩૨ ના અંત સુધીમાં તબક્કાવાર રીતે અકાસા એરના કાફલામાં સામેલ થઈ જશે.

ચાલુ નાણાકીય વર્ષમાં ૩૦% વૃદ્ધિનો મોટો લક્ષ્યાંક
અકાસા એર પોતાની ઓપરેશનલ ક્ષમતામાં મોટો વધારો કરવા જઈ રહી છે. સીઈઓ વિનય દુબેએ પીટીઆઈ (PTI) સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કંપની ચાલુ નાણાકીય વર્ષમાં પોતાની ક્ષમતામાં ૩૦ ટકાનો વધારો કરવાનો લક્ષ્ય ધરાવે છે. એટલું જ નહીં, આગામી ચારથી પાંચ વર્ષમાં કંપની પોતાની ક્ષમતાને વાર્ષિક ૩૦ થી ૪૦ ટકાની રેન્જમાં જાળવી રાખશે.
હાલના તબક્કે અકાસા એર ભારત અને વિદેશમાં ૨૮ સ્થાનિક (Domestic) અને ૭ આંતરરાષ્ટ્રીય (International) સ્થળોએ પોતાની સેવાઓ સફળતાપૂર્વક આપી રહી છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે જનતાને સસ્તી હવાઈ સેવાઓ પૂરી પાડવા અને જ્યાં કનેક્ટિવિટી ઓછી છે અથવા બિલકુલ નથી તેવા અંતરિયાળ વિસ્તારોને જોડવા માટે ‘ઉડાન’ યોજનાનું સુધારેલું નવું સંસ્કરણ રજૂ કર્યું છે. ઓક્ટોબર ૨૦૧૬ માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૬૬૯ રૂટ સક્રિય થઈ ચૂક્યા છે, અને અકાસા એર પણ આ નેટવર્કનો લાભ લઈને સામાન્ય મુસાફરો સુધી પહોંચવા માંગે છે.
સિંગલ-ક્લાસ મોડેલ અને ભવિષ્યની રણનીતિ
એરલાઇન ક્ષેત્રે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે અકાસા એર હાલમાં ખૂબ જ સ્પષ્ટ વ્યૂહરચના સાથે આગળ વધી રહી છે. કંપની અત્યારે માત્ર એક જ પ્રકારના વિમાન (બોઇંગ ૭૩૭ મેક્સ) અને સિંગલ-ક્લાસ બિઝનેસ મોડેલ (ફક્ત ઈકોનોમી ક્લાસ) ને વળગી રહી છે, જેનાથી ઓપરેશનલ ખર્ચ બહુ નીચો રહે છે. એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) ભાવ સ્થિરીકરણ ભંડોળ અને ઇમરજન્સી લોન ગેરંટી યોજનામાં જોડાવાના પ્રશ્ન પર સીઈઓએ સ્પષ્ટ કર્યું કે, કંપની વહીવટી સ્તરે કોઈ પણ શરતો સ્વીકારતા પહેલા તેનો ઊંડો અભ્યાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે બદલાતી બજારની પરિસ્થિતિઓ અનુસાર દર વર્ષે વ્યૂહરચનાનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવે છે, પરંતુ હાલ પૂરતું આ બિઝનેસ મોડેલ કંપની માટે એકદમ સચોટ સાબિત થયું છે.

સપ્લાય ચેઇનની કટોકટી વચ્ચે વિમાનોની સમયસર ડિલિવરી
વૈશ્વિક સ્તરે ઉડ્ડયન ઉદ્યોગ હાલમાં એન્જિનની સમસ્યાઓ અને સપ્લાય ચેઇનના મોટા અવરોધોનો સામનો કરી રહ્યો છે, જેના લીધે ઘણી મોટી એરલાઇન્સને વિમાનો મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. જો કે, અકાસા એર માટે રાહતના સમાચાર એ છે કે અમેરિકી વિમાન ઉત્પાદક કંપની બોઇંગ તેને સમયપત્રક મુજબ નિયમિત ગતિએ વિમાનોની ડિલિવરી આપી રહી છે. વિનય દુબેએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં વિમાનો આવવાની ઝડપ વધુ વધશે.
રોજગારીની દ્રષ્ટિએ પણ અકાસા એર મોટું યોગદાન આપી રહી છે. હાલમાં કંપનીમાં ૫,૦૦૦ થી વધુ પ્રશિક્ષિત કર્મચારીઓ કામ કરી રહ્યા છે, જેમાં ૮૫૦ થી વધુ પ્રોફેશનલ પાયલટ્સનો સમાવેશ થાય છે. આર્થિક મોરચે હાલમાં ભલે કંપની ખોટનો સામનો કરી રહી હોય, પરંતુ આ આક્રમક વિસ્તરણને કારણે આગામી સપ્ટેમ્બર ૨૦2૫ થી માર્ચ ૨૦૨૬ ના ગાળા દરમિયાન કંપની ટેક્સ પહેલાની કમાણી એટલે કે EBITDA સ્તરે શાનદાર નફો (Profitability) મેળવવાનું શરૂ કરી દેશે તેવી મજબૂત આશા છે.