‘ખોટું બોલીને સત્તા છીનવી લેવામાં આવી’, કેજરીવાલ નિર્દોષ છૂટતા અખિલેશ યાદવના ભાજપ પર આકરા પ્રહાર
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ મોટા સમાચાર સામે આવ્યા બાદ રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કર્યા છે.
જૂઠ ફેલાવીને સત્તા છીનવવાનો આરોપ
કનૌજમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન અખિલેશ યાદવે ભાજપ પર તીખું નિશાન સાધતા કહ્યું કે, માત્ર જૂઠ ફેલાવીને અને પાયાવિહોણા આરોપો લગાવીને એક વ્યક્તિ પાસેથી તેની સરકાર છીનવી લેવામાં આવી. તેમણે વધુમાં ઉમેર્યું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં ગરીબો માટે જે શ્રેષ્ઠ કાર્યો કરી રહ્યા હતા, તે ભાજપ પચાવી શક્યું નહીં અને આ જ કારણ છે કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા.
નૈતિકતાનો અંત: અખિલેશ યાદવ
અખિલેશ યાદવે કોર્ટના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, હવે જ્યારે અદાલતે પણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને કેજરીવાલને નિર્દોષ જાહેર કર્યા છે, ત્યારે ભાજપ માટે આનાથી વધુ નિંદનીય બાબત બીજી કોઈ હોઈ શકે નહીં. તેમણે આ ઘટનાક્રમને ‘નૈતિકતાનો અંત’ ગણાવ્યો હતો.
તેમણે અગાઉ પણ કહ્યું હતું કે, “સત્ય અને ન્યાય હંમેશા અરવિંદ કેજરીવાલની સાથે રહ્યા છે. આરોપ ગમે તેટલો મોટો કેમ ન હોય, તે ક્યારેય સત્યને દબાવી શકતો નથી. આજે દરેક પ્રામાણિક વ્યક્તિ રાહતનો શ્વાસ લેશે.”
રાઉઝ એવન્યુ કોર્ટનો મોટો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, માત્ર અટકળો અને નબળા પુરાવાના આધારે કોઈ પર વિશ્વાસ કરી શકાય નહીં. તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અપૂરતા હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
સીબીઆઈ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે
બીજી તરફ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) આ નિર્ણયથી અસંતુષ્ટ જણાય છે. તપાસ એજન્સીના વકીલોએ સંકેત આપ્યા છે કે તેઓ કોર્ટના આ આદેશનો વિગતવાર અભ્યાસ કરશે અને ત્યારબાદ આ ફેંસલાને હાઈકોર્ટમાં પડકારશે. જોકે, હાલ પૂરતું તો આ ચુકાદો આમ આદમી પાર્ટી માટે એક મોટી કાયદાકીય અને નૈતિક જીત માનવામાં આવી રહી છે.

