શું અલી લારીજાની જીવિત છે? ઈઝરાયેલના મોતના દાવા વચ્ચે ઈરાની નેતાની સોશિયલ મીડિયા પોસ્ટથી નવી અટકળો
ઈઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાનની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ અને ભૂતપૂર્વ સંસદ અધ્યક્ષ અલી લારીજાની IDF (ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ) ના હવાઈ હુમલામાં માર્યા ગયા છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને મોડી રાત્રે કરવામાં આવેલા હવાઈ હુમલામાં આ વરિષ્ઠ ઈરાની સુરક્ષા અધિકારીના મોતના સમાચાર મળ્યા છે. જોકે, ઈરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
X (ટ્વિટર) પર લારીજાનીની પોસ્ટથી મૂંઝવણ વધી
જ્યારે એક તરફ ઈઝરાયેલ લારીજાનીના મોતના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અલી લારીજાનીના સત્તાવાર X એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટને કારણે સોશિયલ મીડિયા પર નવી ચર્ચાઓ શરૂ થઈ છે. નેટીઝન્સ પૂછી રહ્યા છે કે જો લારીજાની માર્યા ગયા છે, તો આ ટ્વીટ કોણે કરી?
Photo: Prime Minister Benjamin Netanyahu ordering the elimination of senior Iranian regime officials. pic.twitter.com/av6rIqNOFt
— Prime Minister of Israel (@IsraeliPM) March 17, 2026
લારીજાનીએ પોતાની પોસ્ટમાં ઈરાની નૌસેનાના તે જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે જેઓ તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા. તેમણે લખ્યું છે કે, “નૌસેનાના બહાદુર સભ્યોની શહાદત એ રાષ્ટ્રના બલિદાનનો એક ભાગ છે, જે આંતરરાષ્ટ્રીય અત્યાચારીઓ સામેના સંઘર્ષમાં ઉભરી આવ્યું છે.” આ પોસ્ટની સાથે લારીજાનીની પોતાની હસ્તલિખિત નોંધની તસવીર પણ શેર કરવામાં આવી છે.
ઈઝરાયેલ અને નેટીઝન્સની પ્રતિક્રિયા
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે પણ એક તસવીર જાહેર કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે ઈરાની શાસનના ઉચ્ચ અધિકારીઓને ખતમ કરવાના નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ, લારીજાનીની પોસ્ટ પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું, “શું તમે હજુ જીવિત છો?”, જ્યારે અન્ય એકે લખ્યું, “ઓહ, મિસ્ટર લારીજાની, તમે તો ટ્વીટ કરી રહ્યા છો!”
به مناسبت مراسم تشییع سلحشوران نیروی دریایی ارتش جمهوری اسلامی ایران: یاد آنان همواره در قلب ملت ایران خواهد بود و این شهادتها بنیان ارتش جمهوری اسلامی را برای سالها در ساختار نیروهای مسلح استوار مینماید. ازخداوند متعال علو درجات برای این شهدای عزیز خواستارم. pic.twitter.com/dvTdhyDYbY
— Ali Larijani | علی لاریجانی (@alilarijani_ir) March 17, 2026
કોણ છે અલી લારીજાની?
અલી લારીજાની ઈરાનની રાજનીતિના અત્યંત શક્તિશાળી નેતા માનવામાં આવે છે:
- વર્તમાન હોદ્દો: ઓગસ્ટ 2025 માં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન દ્વારા તેમને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (SNSC) ના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
- ભૂતકાળનો અનુભવ: તેઓ 2008 થી 2020 સુધી સતત 12 વર્ષ ઈરાની સંસદના સ્પીકર રહ્યા હતા.
- પરમાણુ વાટાઘાટકાર: 2005 થી 2007 દરમિયાન તેઓ ઈરાનના મુખ્ય પરમાણુ વાટાઘાટકાર તરીકે સેવા આપી ચૂક્યા છે.
- રાજકીય વિચારધારા: શરૂઆતમાં કટ્ટરપંથી ગણાતા લારીજાની તાજેતરના સમયમાં ‘મધ્યમ માર્ગી રૂઢિચુસ્ત’ નેતા તરીકે ઓળખાય છે.
નોંધનીય છે કે લારીજાનીના ભાઈ સાદેઘ લારીજાની પણ ઈરાનની ‘એક્સપિડિયન્સી કાઉન્સિલ’ ના અધ્યક્ષ તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર ઈરાનના સત્તાવાર નિવેદન પર ટકેલી છે કે અલી લારીજાની ખરેખર જીવિત છે કે નહીં.
