તુર્કી, ઇરાક અને પાકિસ્તાનનો અમેરિકાને ઝટકો? ઈરાનની સરહદો બંધ કરવાની યોજના સામે મુશ્કેલીઓ વધી!

5 Min Read

ઈરાનની સરહદો બંધ કરાવવાની અમેરિકાની યોજના અટકી, તુર્કી, ઇરાક અને પાકિસ્તાને સહકાર આપવાનો કર્યો ઇનકાર

ઈરાન પર આર્થિક દબાણ વધારવા માટે અમેરિકા હવે માત્ર દરિયાઈ અને હવાઈ માર્ગો પૂરતું મર્યાદિત રહેવા માગતું નથી. વોશિંગ્ટન ઈચ્છે છે કે ઈરાનના પડોશી દેશો પણ તેની સાથેની જમીની સરહદો બંધ કરે, જેથી ઈરાનનો વેપાર વધુ મુશ્કેલીમાં મુકાય. પરંતુ અમેરિકાની આ યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. તુર્કી, ઇરાક અને પાકિસ્તાનએ અમેરિકાની માગ મુજબ પોતાની સરહદો સંપૂર્ણપણે બંધ કરવામાં સહકાર આપ્યો નથી.

અમેરિકાના પ્રયાસો છતાં આ ત્રણેય દેશો ઈરાન સાથેના વેપાર અને પોતાના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. આ સ્થિતિથી ઈરાનને સંપૂર્ણપણે આર્થિક રીતે અલગ પાડવાની અમેરિકાની યોજના સામે પડકાર ઊભો થયો છે. આ સમગ્ર ઘટનાક્રમની જાણકારી ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ના અહેવાલને આધારે સામે આવી છે.

- Advertisement -

irak0.jpg

ઈરાનને ઘેરવાની અમેરિકાની યોજના શું છે?

અમેરિકા લાંબા સમયથી ઈરાન પર આર્થિક પ્રતિબંધો અને દબાણની નીતિ અપનાવી રહ્યું છે. આ અભિયાન હેઠળ ઈરાનના દરિયાઈ વેપારને અસર પહોંચાડવા માટે નૌકાદળની નાકાબંધી કરવામાં આવી છે. નવા પ્રતિબંધોને કારણે ઈરાનના હવાઈ પરિવહન ક્ષેત્રને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અમેરિકાની નજર ઈરાનના જમીની વેપાર માર્ગો પર છે.

- Advertisement -

અમેરિકાના અધિકારીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઈરાનના પડોશી દેશો સાથે વાતચીત કરી રહ્યા છે. વોશિંગ્ટન ઈચ્છે છે કે આ દેશો ઈરાન સાથેની સરહદો બંધ કરે અથવા ત્યાંથી થતી અવરજવર અને વેપાર પર કડક નિયંત્રણ મૂકે. અમેરિકાનું માનવું છે કે આમ કરવાથી ઈરાન સુધી પ્રતિબંધિત સામાન, હથિયારો અને નાણાં પહોંચતા અટકાવી શકાશે.

પરંતુ પડોશી દેશો માટે આ નિર્ણય એટલો સરળ નથી. ઈરાન સાથેના વેપાર પર તેમની પોતાની અર્થવ્યવસ્થાના કેટલાક ભાગો નિર્ભર છે. સરહદો બંધ કરવાથી માત્ર ઈરાનને જ નહીં, પરંતુ સરહદી વિસ્તારોમાં રહેતા લોકો અને વેપારીઓને પણ નુકસાન થઈ શકે છે.

તુર્કી, ઇરાક અને પાકિસ્તાન કેમ નથી માનતા?

અમેરિકાની માગ સામે ત્રણેય દેશોનું વલણ અલગ-અલગ રહ્યું છે. તુર્કીએ પોતાની સરહદી નીતિમાં મોટો ફેરફાર કરવાનો ઇનકાર કર્યો છે. ઇરાકે પણ ઈરાન સાથેની તમામ સરહદ ચોકીઓ બંધ કરવાની અમેરિકાની માગ સ્વીકારી નથી. જોકે, તેણે કેટલીક સરહદ ચોકીઓ પર અસ્થાયી નિયંત્રણો લાગુ કર્યા છે.

- Advertisement -

ઇરાક માટે ઈરાન સાથેના સંબંધો આર્થિક દૃષ્ટિએ ખૂબ મહત્વના છે. ઇરાકને વીજળી ઉત્પાદન માટે ઈરાન પાસેથી મળતા ગેસની પણ જરૂર છે. બંને દેશો વચ્ચે વેપાર અને સરહદ પારની અવરજવર મોટા પાયે થાય છે. ઇરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસૈને અગાઉ જણાવ્યું હતું કે અમેરિકાએ બગદાદને ઈરાન સાથેની બે સિવાયની તમામ સરહદ ચોકીઓ બંધ કરવા કહ્યું છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આવું કરવું મુશ્કેલ છે અને તેનાથી ઇરાકની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે.

પાકિસ્તાનનું વલણ પણ સંપૂર્ણપણે અમેરિકાની તરફેણમાં નથી. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વાર્ષિક વેપાર આશરે 3 અબજ ડોલરનો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પાકિસ્તાન કેટલીક સરહદ ચોકીઓ ક્યારેક ખોલે છે તો ક્યારેક બંધ કરે છે. પાકિસ્તાની અધિકારીઓએ આ પગલાં પાછળ સુરક્ષા સંબંધિત કારણો અને આયાતની નવી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કર્યો છે.

આ દેશોને એવી પણ ચિંતા છે કે સરહદો બંધ થવાથી સરહદી વિસ્તારોમાં વેપાર પર આધારિત લોકોમાં અસંતોષ વધી શકે છે. સ્થાનિક અર્થતંત્રને નુકસાન થાય તો સામાજિક અને રાજકીય અસ્થિરતાનું જોખમ પણ ઊભું થઈ શકે છે.


 

અમેરિકાએ બનાવી ‘ટાસ્ક ફોર્સ આયર્ન ગેટ’

પડોશી દેશો પાસેથી અપેક્ષિત સહકાર ન મળતાં અમેરિકાએ હવે ‘ટાસ્ક ફોર્સ આયર્ન ગેટ’ની રચના કરી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે 7 નવેમ્બરે આ ટાસ્ક ફોર્સની જાહેરાત કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની જમીની સરહદો અને કેસ્પિયન સમુદ્રના માર્ગે હથિયારો, પ્રતિબંધિત સામાન અને ગેરકાયદેસર નાણાંની હેરફેર અટકાવવાનો છે.

આ ટાસ્ક ફોર્સમાં આશરે 20 નાગરિક અને સૈન્ય કર્મચારીઓ હશે અને તેનું મુખ્ય મથક અમેરિકાના ફ્લોરિડામાં રહેશે. જોકે, અમેરિકાના એક સૈન્ય અધિકારીએ ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ને જણાવ્યું હતું કે આ ટીમ પોતે કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરે. તેના બદલે ઈરાનના પડોશી દેશોને પોતાની સુરક્ષા એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ તાજેતરમાં કહ્યું હતું કે ઈરાન પર આર્થિક દબાણની અસર નોંધપાત્ર છે અને જો આર્થિક પગલાંથી હેતુ સિદ્ધ થઈ શકે તો સૈન્ય હુમલાની જરૂર રહેતી નથી.

Share This Article