‘વંદે માતરમ’ મુદ્દે દેશમાં રાજકીય સંગ્રામ: અમિત શાહનો કોંગ્રેસ પર તીખો પ્રહાર, કહ્યું- “રાહુલ ગાંધી તુષ્ટીકરણની રાજનીતિ આગળ ધપાવી રહ્યા છે”
સંસદના ચોમાસું સત્ર દરમિયાન પસાર થયેલા ‘વંદે માતરમ’ બિલ અને તેના કાયદાકીય અમલને લઈને દેશના રાજકારણમાં એક નવો અને ભારે ગરમાવો આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદા હેઠળ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના તમામ છ કડીઓ (છંદ) ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ, વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કરતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ અગાઉની પરંપરા મુજબ માત્ર પહેલી બે કડીઓ જ ગાશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના આ નિર્ણય સામે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રીય નેતાઓએ ભારે વિરોધ દર્શાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસના આ વલણને “રાષ્ટ્રવિરોધી” અને “તુષ્ટીકરણની રાજનીતિ” ગણાવીને તીખી ટીકા કરી છે.
અમિત શાહનો પલટવાર: “૧૯૩૭ની ભૂલ અને વિભાજનનું પુનરાવર્તન”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઐતિહાસિક સંદર્ભ આપતા જણાવ્યું હતું કે, ૧૯૩૭માં કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ અપનાવીને ‘વંદે માતરમ’ના બે ટુકડા કરી દીધા હતા, જેણે પાછળથી દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો અને પાકિસ્તાનનો જન્મ થયો હતો.

ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, “કોંગ્રેસના આ નિર્ણયથી એ હજારો શહીદોનું અપમાન થયું છે, જેમણે માતૃભૂમિની આઝાદી માટે ‘વંદે માતરમ’નો નારો લગાવતા ફેંસીના માચે ચડી જવાનું સ્વીકાર્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળની એ ભૂલને સુધારીને આખા ગીતને સન્માન આપ્યું છે, ત્યારે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સંસદના કાયદાને નકારીને ફરી એકવાર ૧૯૩૭ના પ્રસ્તાવને વળગી રહી છે. દેશની જનતાએ આ તુષ્ટીકરણ સામે એકજૂથ થઈને અવાજ ઉઠાવવો જોઈએ.”
કોંગ્રેસનો પક્ષ: ૧૯૩૭ના નિર્ણય અને મહાનુભાવોની પરંપરાનો હવાલો
બીજી તરફ, બુધવારે યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. પાર્ટીના પ્રવક્તા અને નેતાઓનું કહેવું છે કે તેઓ મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા મહાન નેતાઓની સમિતિ દ્વારા 1937માં લેવાયેલા નિર્ણયનું પાલન કરશે.
કોંગ્રેસના તર્ક અનુસાર, આઝાદીની લડાઈ દરમિયાન દેશના મહાનુભાવોએ સર્વસંમતિથી વંદે માતરમની પહેલી બે કડીઓને સ્વીકારી હતી. તેથી, પાર્ટી પોતાના મંચો પર ગીતની તમામ છ કડીઓ ગાવાને બદલે માત્ર પ્રથમ બે કડીઓ જ ગાવાની પરંપરા જાળવી રાખશે.
ભાજપના નેતાઓના આકરા પ્રહારો: “કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ બની ગઈ છે”
નિતિન નવીન (ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ): તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે રાષ્ટ્રીય ગીતના અપમાનને પોતાના અધિકૃત પ્રસ્તાવનું રૂપ આપી દીધું છે. ભારત માતાની આ વંદનાનો અનાદર એ દેશ માટે કુરબાન થનારા શહીદોનું અપમાન છે. તેમણે ઉમેર્યું કે વોટ બેંકની ભૂખ ખાતર કોંગ્રેસ પોતાના સ્વભિમાનને ગીરો મૂકી રહી છે અને આજે એક ‘નવી મુસ્લિમ લીગ’ જેવું આચરણ કરી રહી છે.
શિવરાજ સિંહ ચૌહાણ (કેન્દ્રીય મંત્રી): શિવરાજ સિંહે જણાવાયું કે વંદે માતરમ એ ભારતનું ગૌરવ અને ચેતના છે. આ ગીતનો સંપૂર્ણ ભાગ ન ગાવો એ માત્ર ગીતનું જ નહીં, પરંતુ સાક્ષાત ‘ભારત માતા’નું અપમાન છે. ૧૯૩૭માં મુસ્લિમ લીગના દબાણમાં લેવાયેલા નિર્ણયોને આજે પણ વળગી રહીને કોંગ્રેસ સાબિત કરી રહી છે કે તે દેશની મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓથી કપાઈ ચૂકી છે.
ગિરિરાજ સિંહ (કેન્દ્રીય મંત્રી): ગિરિરાજ સિંહે આકરા શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુસ્લિમ લીગની માનસિકતાનું નેતૃત્વ કરી રહ્યા છે. દેશ સંવિધાન અને કાયદાથી ચાલશે, કોઈ પાર્ટીની તુષ્ટીકરણની નીતિથી નહીં.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નો પ્રતિક્રિયાત્મક પ્રહાર
આ સમગ્ર વિવાદમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે પણ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ વંદે માતરમની પાછળની ચાર કડીઓ ગાવાથી એટલા માટે બચે છે કારણ કે તેમાં ધર્મ, ભક્તિ, શક્તિ, મંદિર, વિદ્યા અને દુર્ગા જેવા પવિત્ર શબ્દોનો પ્રયોગ થયેલો છે.
વીએચપીના મતે આ શબ્દો ભારતીય સંસ્કાર, પુરાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રીય જીવન મૂલ્યો સાથે ઊંડેથી જોડાયેલા છે. વિદેશી માનસિકતા ધરાવતી અને જીહાદી તુષ્ટીકરણ પર નભતી પાર્ટી આવા શબ્દોને ક્યારેય સહજતાથી સ્વીકારી શકે નહીં.
કોંગ્રેસનો પલટવાર: “RSS અને ભાજપ અમને દેશભક્તિ ન શીખવે”
ભાજપ અને સંઘના સતત આક્રમણ સામે કોંગ્રેસના સાંસદ પવન ખેડાએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે આઝાદીની ચળવળના ઇતિહાસને ટાંકીને કહ્યું કે, “જ્યારે દેશ આઝાદીની લડાઈ લડી રહ્યો હતો, ત્યારે RSS ક્યાં હતું? આજે જે લોકો અમને ‘વંદે માતરમ’ અને દેશભક્તિ શીખવી રહ્યા છે, તેઓ ભૂતકાળમાં પણ રવીન્દ્રનાથ ટાગોર, સરદાર પટેલ, પંડિત નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા મહાન નેતાઓના વિચારોનો વિરોધ કરતા હતા.”
પવન ખેડાએ વધુમાં આક્ષેપ કર્યો કે, ગોડસે અને સાવરકરના વિચારોને અનુસરનારા લોકો આજે મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય પરંપરાઓ પર સવાલો ઉઠાવી રહ્યા છે. સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ યોગદાન ન આપનારા લોકો કોંગ્રેસની દેશભક્તિ પર સવાલ ઉઠાવવાનો કોઈ હક ધરાવતા નથી.

