અનુબંધમ પોર્ટલ મારફતે નોંધણી કરાવી અમરેલી જિલ્લાના યુવાનોને મળશે રોજગારીનો મોકો
અમરેલી જિલ્લાના ઉત્સાહી યુવાનોને ખાનગી ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક મળી રહે તે માટે આગામી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ધારી ખાતે ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), ધારી ખાતે સવારે ૧૧ વાગ્યાથી આ ભરતી પ્રક્રિયા શરૂ થશે. જેમાં ૧૮ થી ૪૫ વર્ષની વયના ઉમેદવારો ભાગ લઈ શકશે. જિલ્લા રોજગાર અધિકારી દ્વારા લેવાયેલી આ પહેલથી સ્થાનિક યુવાનોને ઘરઆંગણે રોજગારી મેળવવાની તક પ્રાપ્ત થશે.
વિવિધ શૈક્ષણિક લાયકાત મુજબ ભરતીની તકો
આ રોજગાર મેળામાં ધોરણ ૧૦ અને ૧૨ પાસથી લઈને આઈ.ટી.આઈ., ડિપ્લોમા, બી.એસસી., એમ.એસસી., બી.ફાર્મ અને એમ.ફાર્મ જેવી ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે અનેક જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત બ્યુટીશિયન, હેરડ્રેસર અને કોમ્પ્યુટર નોલેજ ધરાવતા યુવાનોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. કેશિયર અને સ્ટોક મેનેજર જેવી પોસ્ટ માટે બી.કોમ., એમ.કોમ., બી.બી.એ. અને એમ.બી.એ. કરેલા ઉમેદવારો પોતાની પસંદગીના ક્ષેત્રમાં અરજી કરી શકશે.
અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત
ભરતી મેળામાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ ‘અનુબંધમ પોર્ટલ’ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી અનિવાર્ય છે. ઉમેદવારોએ આધાર કાર્ડ અને પોતાના શૈક્ષણિક દસ્તાવેજો સાથે પોર્ટલ પર સાઇન-અપ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ લોગ-ઈન કરી ‘જોબફેર’ મેનુમાં જઈને જરૂરી વિગતો ભરવાની રહેશે. આ ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ ઉમેદવારો સીધા ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકશે અને રોજગારીના અવસરો મેળવી શકશે.
