આણંદ જિલ્લામાં મહિલા કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન સાથે મહિલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – ૨૦૨૬’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આણંદ ટાઉનહોલ ખાતે યોજાયેલા આ જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. તેમણે સમાજ નિર્માણમાં નારી શક્તિના અમૂલ્ય ફાળાને બિરદાવતા જણાવ્યું કે, આજે પોલીસ અને વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત મહિલાઓ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મહિલાઓને સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું.
મહિલા સ્વાસ્થ્ય અને શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસનો મંત્ર
કાર્યક્રમ દરમિયાન આકાંક્ષા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ગાયનેકોલોજીસ્ટ ડૉ. મોલીના પટેલે મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે જો એક સ્ત્રી શિક્ષિત બને તો આખું કુટુંબ શિક્ષિત થાય છે. મહિલાઓને યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને હેલ્થ ચેકઅપ દ્વારા ગંભીર બીમારીઓ સામે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી હતી. સાથોસાથ, સિયારામ ફાઉન્ડેશનના પ્રમુખ દીપાલીબેન ઇનામદારે ‘ગિવ ટુ ગેઈન’ થીમ હેઠળ મહિલાઓને નેતૃત્વની તક પૂરી પાડવા અને ઈલાબેન ભટ્ટ તથા સુધામૂર્તિ જેવા આદર્શ વ્યક્તિત્વોમાંથી પ્રેરણા લઈ આર્થિક રીતે આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા.
વિવિધ ક્ષેત્રોની ૭૨ તેજસ્વી મહિલાઓનું સન્માન અને યોજનાકીય લાભોનું વિતરણ
આ અવસરે સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલા સરપંચો, વર્ગ-૧ ના મહિલા અધિકારીઓ અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ ૭૨ જેટલી મહિલાઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે ‘વ્હાલી દીકરી યોજના’, ‘ઉજ્જવલા યોજના’ અને ‘ગંગા સ્વરૂપા સહાય’ હેઠળ લાભાર્થી બહેનોને ચેક અને મંજૂરી હુકમોનું વિતરણ કરી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવ્યા હતા. આ તકે જિલ્લાના અનેક ઉચ્ચ મહિલા અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓની હાજરીએ કાર્યક્રમમાં નવી ચેતના પૂરી પાડી હતી.

