એશિયન ગેમ્સ 2026: ભારતનો પહેલો મેડલ પાકો કરનાર સુચિકા તરિયાલ કોણ છે? જાણો સંઘર્ષભરી કહાની

4 Min Read

એશિયન ગેમ્સ 2026: ભારતને પ્રથમ મેડલ અપાવનાર સુચિકા તરિયાલ કોણ છે? 12 વર્ષની ઉંમરે છેડતી બાદ જુડોથી MMA સુધીની સફર

એશિયન ગેમ્સ 2026માં ભારતે પ્રથમ મેડલ પોતાના નામે કરી લીધો છે અને આ ઐતિહાસિક સિદ્ધિ મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)માં આવી છે. સુચિકા તરિયાલે મહિલાઓની 60 કિગ્રા કેટેગરીની ક્વાર્ટર ફાઈનલમાં મંગોલિયાની ખેલાડીને હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. સેમિફાઈનલમાં પહોંચતાં જ તેમનો ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત થઈ ગયો છે. ખાસ વાત એ છે કે MMA એ એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ વખતે પ્રથમ વખત સામેલ કરવામાં આવી છે. એટલે સુચિકા આ રમતમાં એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની છે.

સુચિકા માટે આ માત્ર એક રમતની જીત નથી, પરંતુ લાંબી રમતગમતની સફરનું પરિણામ છે. 36 વર્ષની આ ખેલાડીએ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીને આત્મરક્ષા માટે જુડો શીખવાનું શરૂ કર્યું અને ત્યારબાદ MMAમાં પોતાની ઓળખ બનાવી. હવે એશિયન ગેમ્સના મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતી સુચિકા પાસે મેડલનો રંગ બદલવાની તક પણ છે.

- Advertisement -

asian.jpg

મેડલ નિશ્ચિત, હવે નજર સેમિફાઈનલ પર

મંગોલિયન ખેલાડી સામેની ક્વાર્ટર ફાઈનલમાં જીત સાથે સુચિકાએ એશિયન ગેમ્સમાં ભારતનો પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો છે. હાલમાં તેમના ખાતામાં ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત છે. જોકે, તેમની સ્પર્ધા અહીં પૂરી થઈ નથી.

- Advertisement -

સુચિકા મંગળવારે સેમિફાઈનલમાં ઉતરશે. જો તે સેમિફાઈનલમાં જીત મેળવશે તો ગોલ્ડ મેડલ માટેની ફાઈનલમાં પ્રવેશ કરશે. એટલે તેમની પાસે બ્રોન્ઝથી આગળ વધીને ગોલ્ડ અથવા સિલ્વર મેડલ માટે દાવેદારી કરવાની તક છે.MMAને એશિયન ગેમ્સમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે, તેથી આ સ્પર્ધામાં મળેલો ભારતનો પ્રથમ મેડલ ખાસ મહત્વ ધરાવે છે. સુચિકાની જીતે આ નવી રમતના એશિયન ગેમ્સમાં ભારતના અભિયાનને પણ યાદગાર શરૂઆત અપાવી છે.

12 વર્ષની ઉંમરે મુશ્કેલી, જુડોથી શરૂ થઈ સફર

સુચિકા તરિયાલ રોહતકની રહેવાસી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ની પ્રેસ રિલીઝ અનુસાર, જ્યારે તે 12 વર્ષની હતી ત્યારે તે છેડતીનો ભોગ બની હતી. આ ઘટનાએ તેના જીવનમાં મોટો વળાંક લાવ્યો અને તેને આત્મરક્ષા શીખવાની પ્રેરણા મળી.

ત્યારબાદ સુચિકાએ જુડો શીખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેનો ઉદ્દેશ આત્મરક્ષા પૂરતો હતો, પરંતુ રમત સાથેનો સંબંધ આગળ વધતો ગયો. ધીમે ધીમે તેણે કોમ્બેટ સ્પોર્ટ્સમાં પોતાની ક્ષમતા વિકસાવી અને MMA તરફ આગળ વધી.તે સમયે કદાચ સુચિકાએ કલ્પના પણ નહીં કરી હોય કે વર્ષો બાદ તે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પરંતુ સતત મહેનત અને રમત પ્રત્યેના સમર્પણથી તેણે MMAમાં પોતાની અલગ ઓળખ બનાવી. આજે તે યુવા ખેલાડીઓ માટે પણ એક ઓળખાયલું નામ બની ચૂકી છે.

- Advertisement -

asian0.jpg

2017માં MMA ડેબ્યૂ, સાત વર્ષ બાદ પ્રોફેશનલ વાપસી

સુચિકાએ 2017માં જીત સાથે MMAમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, ત્યારબાદ તેણે આ રમતમાં સાત વર્ષનો વિરામ લીધો. લાંબા વિરામ બાદ ડિસેમ્બર 2024માં તેણે બહેરીનમાં યોજાયેલી BRAVE CF 92 સ્પર્ધા દ્વારા પ્રોફેશનલ MMAમાં વાપસી કરી અને ફરી જીત મેળવી.

આ વાપસી બાદ સુચિકાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની દાવેદારી વધુ મજબૂત કરી. આ વર્ષે જાન્યુઆરી અને મે મહિનામાં યોજાયેલી એશિયન MMA ચેમ્પિયનશિપમાં પણ તેણે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.તેમની સિદ્ધિઓને કારણે સુચિકાને દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને તરફથી સન્માન મળ્યું છે. સોશિયલ મીડિયા પર પણ તેમની મોટી ફેન ફોલોઇંગ છે, જેના કારણે તેઓ રમતગમતની દુનિયામાં યુવા આઈકોન તરીકે ઓળખ બનાવી રહી છે.

Share This Article