મધ્ય પૂર્વમાં ભીષણ જંગ: ઓસ્ટ્રેલિયાએ સૈન્ય અભિયાનમાં જોડાવાનો ઈનકાર કર્યો, સાઉદીની શાંતિ માટે અપીલ
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઈરાને આજે ફરી એકવાર મધ્ય પૂર્વના દેશો પર જોરદાર હુમલા કર્યા છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં હાહાકાર મચી ગયો છે. આ ગંભીર સંકટ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તે ઈરાન વિરુદ્ધના કોઈપણ સૈન્ય અભિયાનમાં ભાગ લેશે નહીં અને આ સંઘર્ષમાં પોતાની સેના તૈનાત કરવાનો ઈનકાર કરી દીધો છે.
અખાતી દેશોમાં ઈરાનનો પાયમાલ: અમેરિકી દૂતાવાસ પર હુમલો
ઈરાને આજે કુવૈત, બહેરીન, દુબઈ અને સાઉદી અરેબિયા પર મિસાઈલોનો મારો ચલાવ્યો છે. કુવૈતમાં અમેરિકી દૂતાવાસ પર સીધો હુમલો કરવામાં આવ્યો છે, જ્યાંથી ભારે ધુમાડાના ગોટા ઉઠતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, બહેરીનમાં આવેલા અમેરિકી નૌકાદળના પાંચમા કાફલા (Fifth Fleet) ના મુખ્યાલયને પણ ઈરાને નિશાન બનાવ્યું છે. ઈરાકના ઈરબિલમાં પણ શક્તિશાળી વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર જોખમ વધી ગયું છે.
સાઉદી આરબનું વલણ: જવાબી કાર્યવાહી ટાળવા સંકેત
ઈરાનના હુમલાઓ છતાં સાઉદી અરેબિયાએ અત્યંત સંયમભર્યું વલણ અપનાવ્યું છે. સાઉદી અરેબિયાએ સંકેત આપ્યો છે કે તે ઈરાન પર કોઈ જવાબી કાર્યવાહી કરશે નહીં. સાઉદી આરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદે અન્ય અખાતી દેશોને પણ ચેતવણી આપી છે કે તેઓ એવા કોઈ પણ પગલાં ન ભરે જેનાથી ઈરાન અથવા તેના સાથી જૂથો તરફથી વધુ આક્રમક વળતો હુમલો થાય. સાઉદી ઈચ્છે છે કે આ પ્રદેશ વધુ હિંસામાં ન ધકેલાય.
ટ્રમ્પની ઈરાની સેનાને ચેતવણી: “હથિયાર નીચે મૂકો”
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સૈન્ય અધિકારીઓને સીધી ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમેરિકાના તમામ લક્ષ્યો હાંસલ નહીં થાય ત્યાં સુધી ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન ચાલુ રહેશે. જોકે, તેમણે એક ઓફર પણ આપી છે કે જો ઈરાની સેના હથિયાર હેઠા મૂકી દેશે, તો અમેરિકા તેમની સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી આપશે. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા આગામી દિવસોમાં હુમલાઓ વધુ તેજ કરી શકે છે.

