રસાયણથી માટી નિર્જીવ બને છે, ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતીથી ફરી જીવંત બને છે: રાજ્યપાલ
અડાલજ સ્થિત દાદા નગર કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત આયુર્વિવેક મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આયુર્વેદના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે અને આપણા પ્રાચીન ઋષિઓ સાચા અર્થમાં પ્રથમ સંશોધનકર્તા હતા. હજારો વર્ષ પહેલાં તેમણે જે ઔષધિઓ અને સ્વાસ્થ્યના સિદ્ધાંતો આપ્યા છે, તે આજે પણ આધુનિક વિજ્ઞાનની કસોટી પર ખરા ઉતરે છે. રાજ્યપાલે આયુર્વેદને માનવ જીવનને સ્વસ્થ અને સંતુલિત બનાવતી એક અનમોલ પરંપરા ગણાવી હતી.
ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી એ જ પર્યાય
રાજ્યપાલે રાસાયણિક ખેતી સામે લાલબત્તી ધરતા જણાવ્યું કે યુરિયા અને ડીએપીના ઉપયોગથી જમીન પથ્થર જેવી કઠોર બની ગઈ છે. કેમિકલ યુક્ત ખેતીને કારણે પાણી અને માતાના દૂધમાં પણ ઝેરી તત્વો જોવા મળી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. આ સમસ્યાના ઉકેલ તરીકે તેમણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો મક્કમતાથી આગ્રહ રાખ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ વધુ છે, જ્યારે પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચે જમીનનું સ્વાસ્થ્ય સુધારી વધુ ઉત્પાદન આપે છે.
ગાય અને પંચગવ્યના અદભૂત ઔષધિ ગુણો
ગાયના મહત્વ વિશે બોલતા રાજ્યપાલે જણાવ્યું કે દેશી ગાયના ગોબરમાં કરોડો સૂક્ષ્મજીવો હોય છે, જે જીવામૃત દ્વારા માટીને ફળદ્રુપ બનાવે છે. ગાયનું ઘી અને ગોમૂત્ર ઝેરને પણ શુદ્ધ કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. તેમણે કુરુક્ષેત્ર ગુરુકુલનું ઉદાહરણ આપતા કહ્યું કે ગૌ-સંવર્ધન અને જાત સુધારાથી ગાયોના દૂધ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગાયના તત્વો જમીનને જંગલની માફક જીવંત અને ફળદ્રુપ રાખવામાં મદદરૂપ થાય છે જે માનવજાત માટે આશીર્વાદરૂપ છે.
આયુર્વેદમાં વિશ્વાસ અને સંશોધનની આવશ્યકતા
આ કાર્યક્રમમાં દેશભરના આયુર્વેદાચાર્યો અને વૈદ્યોને સંબોધતા રાજ્યપાલે તેમને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખી સતત સંશોધન કરવા અપીલ કરી હતી. નવી પેઢીમાં મોબાઈલની વધતી જતી લત સામે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ભવિષ્ય માટે ખતરારૂપ ગણાવી હતી. આયુર્વેદ વ્યાસ પીઠ દ્વારા આયોજિત આ મહોત્સવમાં અનેક મહાનુભાવો અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આયુર્વેદના માધ્યમથી ભારતને ફરીથી સ્વસ્થ અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે તેમણે સૌને આહવાન કર્યું હતું.

