યુદ્ધની અસર: બાંગ્લાદેશમાં ભીષણ ઊર્જા સંકટ, વીજળી બચાવવા યુનિવર્સિટીઓ બંધ અને તેલના વેચાણ પર મર્યાદા
અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની આંચ હવે પાડોશી દેશ બાંગ્લાદેશ સુધી પહોંચી છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવને કારણે ઊર્જા પુરવઠો ખોરવાતા બાંગ્લાદેશ સરકાર હચમચી ગઈ છે. દેશમાં વીજળી અને ઇંધણની ભારે અછતને પહોંચી વળવા માટે સરકારે 9 માર્ચથી તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં રજાઓ જાહેર
બાંગ્લાદેશના શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, રાષ્ટ્રીય સ્તરે વીજળીનો વપરાશ ઘટાડવા માટે આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે. આ રજાઓને આગામી ઈદ-ઉલ-ફિતરના શૈક્ષણિક કેલેન્ડર સાથે જોડી દેવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વપરાતી વીજળી બચાવીને તેને અન્ય આવશ્યક સેવાઓ માટે ફાળવવાનો છે.
પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર લિમિટ
બાંગ્લાદેશમાં ઇંધણની અછત એટલી ગંભીર બની ગઈ છે કે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોમાં ફેલાયેલા ગભરાટ (Panic Buying) અને સંગ્રહખોરીને રોકવા માટે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (BPC) એ ઇંધણની ખરીદી પર કડક મર્યાદા નક્કી કરી છે:
- બાઇક સવારો: દિવસમાં માત્ર 2 લિટર પેટ્રોલ.
- ખાનગી કાર: મહત્તમ 10 લિટર.
- SUV અને જીપ: 20-25 લિટર.
- સ્થાનિક બસો: 70-80 લિટર.
- ટ્રક અને કન્ટેનર: 200-220 લિટર ડીઝલ.
હોર્મુઝની સામુદ્રધૂની બંધ થતા સંકટ ઘેરાયું
બાંગ્લાદેશ તેની જરૂરિયાતનું લગભગ 95% તેલ આયાત કરે છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ વધતા ઈરાને હોર્મુઝની સામુદ્રધૂની (Strait of Hormuz) બંધ કરવાની ચેતવણી આપી હતી અને હુમલા તેજ થતા આ માર્ગ બ્લોક કરી દેવાયો છે. વિશ્વનો લગભગ પાંચમો ભાગનો તેલ પુરવઠો આ દરિયાઈ માર્ગે પસાર થાય છે. આ રસ્તો બંધ થવાથી બાંગ્લાદેશ સહિત વિશ્વના અનેક દેશોમાં તેલની સપ્લાય ખોરવાઈ ગઈ છે અને કિંમતોમાં તોતિંગ વધારો થયો છે.
સરકારની ચેતવણી
BPC એ સ્પષ્ટ કર્યું છે કે તેલનો સ્ટોક મર્યાદિત હોવાથી લોકોએ સંગ્રહખોરી કરવી જોઈએ નહીં. સરકારે ચેતવણી આપી છે કે જો કોઈ નિર્ધારિત ભાવ કરતા વધુ કિંમતે ઇંધણ વેચશે, તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં રેલ ટેન્કરો દ્વારા ડેપો સુધી તેલ પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે જેથી સ્થિતિને નિયંત્રણમાં લઈ શકાય.

