દ્રવિડની ચેતવણી: વર્લ્ડ કપ જીતવો હોય તો સાવધાન! એક નાની ભૂલ અને ટ્રોફી હાથમાંથી ગઈ

3 Min Read

“ઓફિસમાં એક ખરાબ દિવસ બધું બગાડી શકે છે” ટી20 વર્લ્ડ કપ પહેલાં રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાને મોટો સંદેશ

આગામી આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની તૈયારી અને મેદાન પરની કામગીરી ખૂબ જ શાનદાર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમે ટી20 ફોર્મેટમાં જે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, તેને જોતા વિરોધી ટીમો માટે ભારતને હરાવવું સરળ નથી. આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ અને ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જે ક્રિકેટપ્રેમીઓ માટે વિચાર કરવા જેવું છે.

ભારતીય ટીમ 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ટી20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે. વર્તમાન ચેમ્પિયન હોવાને કારણે સૌની નજર ટીમ ઈન્ડિયા પર છે અને અપેક્ષા છે કે ભારત પોતાનું ટાઇટલ જાળવી રાખશે. ખાસ કરીને છેલ્લા અઢી વર્ષમાં ભારતીય ટીમે ઘરઆંગણે એકપણ ટી20 શ્રેણી નથી હારી, જે તેમની મજબૂત તૈયારી અને ટીમ સંતુલન બતાવે છે.

- Advertisement -

“અમે ફેવરિટ છીએ, પરંતુ એક દિવસ બધું બદલી શકે છે” રાહુલ દ્રવિડ

રાહુલ દ્રવિડે તાજેતરમાં કૌશિકની પુસ્તક ‘ધ રાઈઝ ઓફ ધ હિટમેન’ના લોન્ચ ઇવેન્ટ દરમિયાન ટી20 વર્લ્ડ કપ અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે,
“આમાં કોઈ શંકા નથી કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ફેવરિટ તરીકે ઉતરશે અને સેમિફાઇનલ સુધી પહોંચવાની પૂરી ક્ષમતા ધરાવે છે.”

rahul.jpg

- Advertisement -

પરંતુ સાથે સાથે દ્રવિડે પોતાના અનુભવ પરથી એક મહત્વપૂર્ણ ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે,
“ક્રિકેટમાં બધું એ પર આધાર રાખે છે કે તે ખાસ દિવસે કોણ સારું રમે છે. કોઈ એક ખેલાડી પોતાની એક શાનદાર ઇનિંગ્સથી આખી મેચનું પલડું ફેરવી શકે છે. ભારતીય ટીમ કેટલીય મજબૂત કેમ ન હોય, ઓફિસમાં એક ખરાબ દિવસ આખી મહેનત બગાડી શકે છે.”

દ્રવિડનું આ નિવેદન 2023ના વનડે વર્લ્ડ કપની યાદ અપાવે છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલ પહેલા તમામ મેચોમાં વિજય મેળવ્યો હતો, પરંતુ 19 નવેમ્બરના ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની સુવર્ણ તક

ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ મેદાનમાં ઉતરશે. આ ટૂર્નામેન્ટમાં ભારત પાસે ઈતિહાસ રચવાની અનોખી તક છે. અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં કોઈપણ યજમાન દેશ ટ્રોફી જીતવામાં સફળ થયો નથી. જો ટીમ ઈન્ડિયા આ કારનામું કરે છે, તો તે ટી20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ યજમાન ટીમ બનશે.

- Advertisement -

rahul11.jpg

આ ઉપરાંત, ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ ટીમો – ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડ – જ બે વખત ટી20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી છે. જો ટીમ ઈન્ડિયા આ વખત ટ્રોફી જીતે છે, તો તે ત્રણ વખત ટી20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બનીને નવો ઈતિહાસ રચશે,રાહુલ દ્રવિડનો સંદેશ સ્પષ્ટ છે – ટીમ મજબૂત છે, ફોર્મ શાનદાર છે, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ છે. સતત ધ્યાન, શિસ્ત અને યોગ્ય સમયે શ્રેષ્ઠ પ્રદર્શન જ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવશે.

Share This Article