બંગાળ ચૂંટણી ફેઝ-2: EVM માં ગરબડ, હિંસાના આક્ષેપો અને પીએમ મોદીને સીધો પડકાર – જાણો 10 મોટા અપડેટ્સ
પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવી રાખવા મથતી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને સત્તા કબજે કરવા માંગતી ભાજપ વચ્ચે બીજા તબક્કાનું મતદાન યુદ્ધના મેદાન જેવું લાગતું હતું. એકતરફ મમતા બેનર્જીએ બૂથ પર જઈને મોરચો સંભાળ્યો, તો બીજી તરફ ભાજપે ઈવીએમ સાથે છેડછાડના ગંભીર આક્ષેપો કર્યા.
1. ભવાનીપુરમાં મમતા અને સુવેન્દુનો આમને-સામનો
દિવસની સૌથી મોટી ઘટના ભવાનીપુરના ચક્રબેરિયા બૂથ પર બની. અહીં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી એક જ સમયે એક જ બૂથ પર પહોંચી ગયા હતા. ભવાનીપુરમાં આ વખતે 2021ની નંદીગ્રામ જેવી જ ટક્કર જોવા મળી રહી છે, કારણ કે ભાજપે મમતા સામે ફરીથી તેમના જ જુના સાથી સુવેન્દુને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનર્જી બૂથની બહાર જ ધરણા પર બેસી ગયા હતા, ત્યારે સુવેન્દુ કેન્દ્રીય દળોના મોટા કાફલા સાથે ત્યાં પહોંચ્યા હતા.
2. નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ
સુવેન્દુ અધિકારીએ બૂથ પર પહોંચતા જ કહ્યું, “હું અહીં કોઈ ગુંડાગીરી ચાલવા દઈશ નહીં.” તો બીજી તરફ, મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો કે ભાજપ કેન્દ્રીય દળો અને ચૂંટણી નિરીક્ષકોનો ઉપયોગ કરીને ચૂંટણીમાં ગેરરીતિ (Rigging) કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેટલાક મતદારોએ તો એવો પણ દાવો કર્યો કે મમતા પોતે જ પોતાની ગાડીમાં ગુંડાઓ લઈને આવ્યા હતા. સુવેન્દુએ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે મમતા આ વખતે 30,000 થી વધુ મતોથી હારશે.
3. ‘ગુંડારાજ’ ના આક્ષેપો
મમતા બેનર્જીએ મીડિયા સામે એક વીડિયો બતાવ્યો જેમાં એક ટીએમસી કાર્યકર્તા લોહીલુહાણ હાલતમાં દેખાતો હતો. તેમણે કહ્યું, “ભાજપ ચૂંટણીમાં આતંક મચાવી રહ્યું છે. શું બંગાળમાં ગુંડારાજ છે? કેન્દ્રીય સુરક્ષા દળો રાત્રે અમારા કાર્યકરો પર હુમલો કરી રહ્યા છે.” તેમણે ચૂંટણી પંચ પર પણ પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો.
4. મમતા બેનર્જીની બદલાયેલી રણનીતિ
સામાન્ય રીતે મમતા બેનર્જી મતદાનના દિવસે મોડેથી બહાર નીકળતા હોય છે, પરંતુ આ વખતે તેઓ સવારે 8 વાગ્યા પહેલા જ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભવાનીપુરની બેઠક જીતવી તેમના માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, તેથી તેમણે ચેતલાથી લઈને પદમપુકુર સુધીના તમામ વિસ્તારોમાં રૂબરૂ જઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રથમ તબક્કા દરમિયાન મૌન રહેલા મમતા બીજા તબક્કામાં અત્યંત આક્રમક મૂડમાં દેખાયા.
5. પોલિંગ એજન્ટો પર હુમલા
નદિયા જિલ્લાના ચાપરામાં ભાજપના એક પોલિંગ એજન્ટ પર મૉક પોલ (Mock Poll) દરમિયાન હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર મળ્યા છે. ભાજપે ટીએમસીના સમર્થકો પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે. શાંતિપુરમાં પણ ભાજપની ચૂંટણી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.
6. EVM માં ખામી અને લાઠીચાર્જ
હાવડાના બાલી વિધાનસભા વિસ્તારમાં લિલુઆ બૂથ પર ઈવીએમ મશીન ખોટકાતા મતદાન અટકી ગયું હતું. આનાથી ઉશ્કેરાયેલા મતદારોએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે કેન્દ્રીય સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ મામલે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
7. બંદૂકો અને હિંસાની ઘટનાઓ
જગદદાલ વિસ્તારમાં એક મતદાન મથકની નજીકથી હથિયારો (Firearms) મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. પનિહાટીમાં આરજી કર કેસની પીડિતાની માતા અને ભાજપના ઉમેદવાર રત્ના દેબનાથની ગાડી રોકવાનો પ્રયાસ થયો હતો. બાસંતીમાં ભાજપના ઉમેદવાર વિકાસ સરદારની ગાડી પર લાકડીઓ અને સળિયા વડે હુમલો થયો હોવાનો પણ દાવો કરાયો છે.
8. ડેરેક ઓ’બ્રાયનનો પીએમ મોદીને પડકાર
ટીએમસીના સાંસદ ડેરેક ઓ’બ્રાયને એક વીડિયો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, “નરેન્દ્ર, તમે કહ્યું હતું કે બંગાળની 294 બેઠકો પર તમે જ ઉમેદવાર છો. જો 4 મેના રોજ મમતા બેનર્જી જીતી જાય, તો તમારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.”
9. ભંગારમાં ડ્રોન દ્વારા નજર
હિંસા માટે કુખ્યાત ગણાતા ભંગાર વિસ્તારમાં કોલકાતા પોલીસે સુરક્ષા સઘન બનાવી હતી. અહીં મતદાન દરમિયાન કોઈ ગરબડ ન થાય તે માટે ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જાતે જ અહીંની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા.
10. ફાલ્ટામાં ‘ટેપ’ વિવાદ
ભાજપના અમિત માલવિયાએ ટ્વિટર (X) પર એક વીડિયો શેર કર્યો જેમાં ઈવીએમ મશીન પર ભાજપના ચિહ્ન પાસે સફેદ ટેપ ચોંટાડેલી જોવા મળી હતી. તેમણે ટીએમસી પર આક્ષેપ કર્યો કે તેઓ મતદારોને ભાજપને વોટ આપતા રોકવા માટે આવી હલકી યુક્તિઓ અપનાવી રહ્યા છે. ચૂંટણી પંચે આ ફરિયાદોના આધારે ફાલ્ટાના અસરગ્રસ્ત બૂથો પર પુનઃ મતદાનની ખાતરી આપી છે.

