“અમે ચૂંટણી હાર્યા નથી, પણ અમારી પાસેથી જીત છીનવી લેવાઈ છે”: મમતા બેનર્જીનો હુંકાર, રાજભવન જઈને રાજીનામું આપવાનો ધરાર ઈનકાર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામોએ દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ભાજપની જીત અને તૃણમૂલ કોંગ્રેસના પરાજય બાદ મમતા બેનર્જીએ મૌન તોડ્યું છે, પરંતુ તેમનું આ મૌન કોઈ સ્વીકારાત્મક હાર નથી, પણ એક ભયાનક આક્રોશ છે. મમતા બેનર્જીએ આ ચૂંટણી પરિણામોને ‘લોકશાહીની હત્યા’ ગણાવતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજભવન જઈને રાજીનામું આપવાના નથી.
100 બેઠકો પર મતોની લૂંટનો ગંભીર આરોપ
ચૂંટણી પરિણામો બાદ મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું, “અમે ચૂંટણી હાર્યા નથી, પરંતુ 100 થી વધુ બેઠકો પર ખુલ્લેઆમ મતોની લૂંટ ચલાવવામાં આવી છે. આ લડાઈ માત્ર ભાજપ સામે નહોતી, અમારે તો પક્ષપાતી ચૂંટણી પંચ સામે પણ લડવું પડ્યું છે.” મમતાએ EVM સાથે છેડછાડ થઈ હોવાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
તેમણે સવાલ ઉઠાવ્યો કે, “હું રાજભવન શા માટે જાઉં? જો મારે શપથ લેવાના હોત તો હું જરૂર જાત. ભાજપે સત્તા કબજે કરી લીધી છે. શું તમને લાગે છે કે મારે રાજીનામું આપી દેવું જોઈએ? હું ક્યાંય જવાની નથી, હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ.”
ચૂંટણી પંચ અને કેન્દ્રીય સંસ્થાઓ પર પ્રહાર
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી અને જે અધિકારીઓ તટસ્થ હતા તેમની બદલી કરી દેવામાં આવી. તેમણે કહ્યું કે, “ચૂંટણી પંચ દિલ્હીના ઈશારે કામ કરી રહ્યું હતું. કાઉન્ટિંગ સેન્ટરોને હાઈજેક કરવામાં આવ્યા હતા. મેં મારા આખા રાજકીય જીવનમાં, 2004માં પણ આવો અત્યાચાર અને ઝુલમ જોયો નથી.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “ચૂંટણી પંચ વેચાઈ ગયું છે. જ્યારે ઓફિસરો એકતરફી કામ કરવા લાગે ત્યારે લોકશાહી બચતી નથી. કાઉન્ટિંગ સેન્ટર પર જે બન્યું તે ભારતીય ઇતિહાસનો ‘બ્લેક ડે’ છે.”
ઈન્ડિયા (INDIA) ગઠબંધનનો સાથ અને ‘ટાઈગર’ જેવી લડાઈ
મમતા બેનર્જીએ જણાવ્યું કે પરાજય છતાં વિપક્ષી ગઠબંધનના તમામ નેતાઓ તેમની સાથે મજબૂતીથી ઉભા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન જેવા નેતાઓએ તેમની સાથે વાત કરી છે. અખિલેશ યાદવ પણ તેમને મળવા પહોંચી રહ્યા છે.
મમતાએ ગર્જના કરતા કહ્યું, “અમે વાઘની જેમ લડાઈ લડી છે. જે રીતે તેમણે મહારાષ્ટ્ર અને હરિયાણામાં સત્તા મેળવી, તે જ ફોર્મ્યુલા અહીં બંગાળમાં પણ અપનાવવામાં આવી છે. પરંતુ અમે આ અન્યાય સામે ‘ફાઈટ બેક’ કરીશું.”
জরুরি বার্তা pic.twitter.com/Uc82oihwEL
— Mamata Banerjee (@MamataOfficial) May 4, 2026
ભવિષ્યની રણનીતિ: 10 સભ્યોની તપાસ સમિતિ
આગામી દિવસોમાં આ લડાઈને કાનૂની અને જનતાની વચ્ચે લઈ જવા માટે મમતાએ 10 સભ્યોની એક ‘ફાઈન્ડિંગ કમિટી’ બનાવવાની જાહેરાત કરી છે. આ સમિતિ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જશે, લોકોની મુલાકાત લેશે અને ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓના પુરાવા એકઠા કરશે. તેમણે કહ્યું કે અમારી ઓફિસો પર કબજો કરવામાં આવી રહ્યો છે અને કાર્યકરો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે અમે સાંખી લઈશું નહીં.
“અમે ફરી બેઠા થઈશું” – મમતાનો આશાવાદ
પોતાના સંબોધનના અંતે મમતા બેનર્જીએ ખૂબ જ મક્કમતાથી કહ્યું કે તેઓ જલ્દી ‘બાઉન્સ બેક’ કરશે. તેમણે કહ્યું, “આખી દુનિયાને ખબર પડવી જોઈએ કે બંગાળમાં કેવી રીતે લોકશાહીની હત્યા થઈ છે. જો ભાજપ નૈતિક રીતે જીતી હોત તો મને કોઈ વાંધો નહોતો, પણ આ તો જબરદસ્તી હરાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર માત્ર એક જ પક્ષની સરકાર ઈચ્છે છે, પણ અમે બંગાળની અસ્મિતા માટે લડતા રહીશું.”
મમતા બેનર્જીનો આ આક્રમક મૂડ સંકેત આપે છે કે પશ્ચિમ બંગાળમાં આવનારા દિવસો રાજકીય દૃષ્ટિએ ખૂબ જ તોફાની રહેવાના છે.
