ભરૂચના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરોડોના વિકાસ કાર્યોનો કર્યો પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા રૂ. ૧૩૫૦.૬૮ કરોડના કુલ ૧૩૯ વિકાસ કાર્યોની ભેટ નાગરિકોને ધરી છે. આ અંતર્ગત રૂ. ૧૨૪૮ કરોડના ૭૩ કામોનું ખાતમૂહૂર્ત અને રૂ. ૧૦૨ કરોડના ૬૬ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો માટે નાણાની ક્યારેય અછત ન વર્તાય તેવું સુદ્રઢ આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ્સ ભરૂચના નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં નોંધપાત્ર વધારો કરશે.
ઔદ્યોગિક હબ ભરૂચની રોડ અને એર કનેક્ટિવિટી મજબૂત બનશે
ભરૂચ, અંકલેશ્વર અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોને વૈશ્વિક સ્તરે જોડવા માટે સરકાર કટિબદ્ધ છે. અંકલેશ્વરમાં એરપોર્ટ ડેવલપમેન્ટની સાથે અંકલેશ્વર-રાજપીપળાના ૪૪ કિમી લાંબા રોડને રૂ. ૭૬૦ કરોડના ખર્ચે હાઇ-સ્પીડ કોરિડોરમાં ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સુવિધાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવું સરળ બનશે. વધુમાં, લોજિસ્ટિક્સ સુવિધા માટે ભરૂચ-દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસવે બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે, જે ઉદ્યોગોના વિકાસમાં ચાવીરૂપ સાબિત થશે.
રમત-ગમત અને યુવા શક્તિના સપના થશે સાકાર
યુવાનોમાં રહેલી પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ભરૂચમાં નવા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો લાભ ૨ લાખથી વધુ યુવાનોને મળશે. મુખ્યમંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે ૨૦૩૦માં જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, ત્યારે આવા આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રતિભાશાળી ખેલાડીઓને વૈશ્વિક સ્પર્ધાઓ માટે તૈયાર કરશે. ‘ખેલો ઇન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને વેગ આપવાના હેતુ સાથે આ માળખાગત સુવિધાઓ ભવિષ્યના ખેલાડીઓ માટે પાયારૂપ બનશે.
ધાર્મિક પર્યટન અને સામાજિક સુવિધાઓનો વિસ્તાર
નર્મદા મૈયાની પરિક્રમા કરતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભરૂચ અને ઝઘડિયામાં ૮ અલગ-અલગ સ્થળોએ વિશ્રામ હોલ બનાવવામાં આવશે. સાથોસાથ, ભરૂચ, નેત્રંગ અને જંબુસરમાં રૂ. ૫૦ કરોડના ખર્ચે કોમર્શિયલ શોપિંગ સેન્ટર કમ રેસ્ટ હાઉસ તૈયાર કરાશે, જે સ્થાનિક વેપાર અને મુલાકાતીઓ માટે ઉપયોગી થશે. જંબુસરમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છે, જે ભરૂચને ગ્લોબલ કેમિકલ હબ તરીકે વધુ મજબૂત બનાવશે. આમ, ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી ભરૂચનો વિકાસ ડબલ ગતિએ આગળ વધી રહ્યો છે.


