વાયરલ ઓડિયો અને હુમલા બાદ બગદાણા પ્રકરણમાં તટસ્થ તપાસની માંગ તેજ
ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં બનેલા ગંભીર વિવાદમાં હવે કોંગ્રેસ પણ સક્રિય બની છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર નિવેદન આપીને રાજ્યની કાયદો-વ્યવસ્થા પર કડક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સામાન્ય નાગરિકો પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે. કોળી સમાજના યુવાન પર થયેલા હુમલાને લઈ તેમણે પોલીસ કાર્યવાહી માત્ર દેખાડુ હોવાનું જણાવ્યું છે. આરોપીઓ સામે કડક પગલાં લેવાય તેવી માંગ તેમણે નાયબ મુખ્યમંત્રી સમક્ષ રાખી છે.
કોળી સમાજના યુવાન પર હુમલા બાદ રાજકીય માહોલ ગરમાયો
બગદાણાના યુવાન પર થયેલા હુમલા પછી સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ એક જ મંચ પર આવતા નજરે પડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના આગેવાનો પીડિત પરિવારને મળવા આગળ આવી રહ્યા છે. આ ઘટનાએ સમાજમાં રોષ ફેલાવ્યો છે અને લોકો ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે.
ગુજરાતમાં @Bhupendrapbjp ની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે.
બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે,ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે…
— Amit Chavda (@AmitChavdaINC) January 2, 2026
પીડિતને મળવા ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકસાથે આગળ
આ મામલામાં સાંસદ નિમુબેન બાંભણિયા પીડિત યુવાનની મુલાકાત લેવાની તૈયારીમાં છે. બીજી તરફ કોંગ્રેસના આગેવાન પૂંજાભાઈ વંશ અને કોળી સમાજના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચવાના છે. અગાઉ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટનામાં રાજકીય ભેદભાવને બાજુએ રાખી સમાજના મુદ્દે પ્રતિનિધિઓ એક થયા હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
માયાભાઈ આહીર વિવાદમાં વાયરલ ઓડિયોએ વધાર્યો વિવાદ
બગદાણા વિવાદ વચ્ચે માયાભાઈ આહીર સંકળાયેલા મુદ્દામાં નવા ખુલાસાઓ થયા છે. જયરાજ અને નવનીત વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનામાં અત્યાર સુધી આઠ લોકો સામે ગુનો નોંધાઈ વધુ તપાસ શરૂ કરાઈ છે. મુંબઈમાં આપેલા નિવેદન બાદ વિવાદ ભભૂક્યો હતો અને ટ્રસ્ટ સંબંધિત મુદ્દાઓને લઈ પણ ગેરસમજ ઊભી થઈ હતી.
વાયરલ ઓડિયો અને હુમલા પાછળની હકીકત જાણવા માંગ
વાયરલ ઓડિયો ક્લીપમાં સેવક નવનીતભાઈ અને માયાભાઈ વચ્ચેની વાતચીત હોવાનું કહેવાય છે. આ ઉપરાંત માયાભાઈના પુત્ર જયરાજ આહીર સામે મારામારીના આરોપો પણ સામે આવ્યા છે. વિવિધ ઓડિયો ક્લીપની સત્યતા અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તો સાચું શું છે તે સ્પષ્ટ થઈ શકે તેમ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
