શિક્ષણથી પરિવર્તનનો માર્ગ: માલેગામની નિવાસી શાળાની સિદ્ધિઓથી પ્રભાવિત થયા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વનવાસી વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના દાખવતા વિશેષ સમય કાઢીને બુધવારે ગાંધીનગરમાં ડાંગના બાળકો સાથે મુલાકાત કરી હતી.
ડાંગ જિલ્લાના માલેગામની શાળાના શિક્ષકો સહિત ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન જ્યારે ગાંધીનગર આવ્યા, ત્યારે મુખ્યમંત્રી સાથેની તેમની આ સહજ મુલાકાત આદિજાતિ વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય સ્મૃતિ બની ગઈ હતી.
મુખ્યમંત્રીએ આ બાળકો પાસેથી તેમને અભ્યાસ માટે મળી રહેલી અત્યાધુનિક સુવિધાઓની જાણકારી મેળવી હતી.
સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની ટ્રસ્ટીશિપ હેઠળ કાર્યરત પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ડાંગ જિલ્લાના માલેગામમાં વનવાસી વિદ્યાર્થીઓ માટે સર્વાંગી શિક્ષણ અને વિકાસનો અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.
પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા વર્ષ ૨૦૦૨ થી શરૂ થયેલા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર (નિવાસી શાળા) માં ડાંગ જિલ્લાના ૧૪૨ અંતરિયાળ ગામોના ૪૦૦ થી વધુ બાળકો શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે.
શાળાની ગૌરવશાળી સિદ્ધિઓ:
-
આ વર્ષે શાળાનો ૧ વિદ્યાર્થી IIT-દિલ્હી અને ૨ વિદ્યાર્થીઓ IIT-રુડકી અને ગોવામાં અભ્યાસ કરી રહ્યા છે.
-
અગાઉ આ શાળામાંથી ભણેલા ૧૮૨ વિદ્યાર્થીઓ એન્જિનિયર, ૨૨ વિદ્યાર્થીઓ ડોક્ટર અને ૩૬ વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા છે.
-
આશરે ૬૫ વિદ્યાર્થીઓએ પેરામેડિકલનું શિક્ષણ મેળવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ વિગતો જાણીને અત્યંત પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સંસ્થાના અગ્રણી શ્રી પી. પી. સ્વામી અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

