સીએમ હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: EDના મની લોન્ડરિંગ કેસમાં નીચલી અદાલતની કાર્યવાહી પર રોક
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન માટે કાયદાકીય મોરચે સારા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડરિંગના કેસમાં નીચલી અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી પર વચગાળાની રોક લગાવી દીધી છે. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે હળવા અંદાજમાં EDને ટકોર પણ કરી હતી કે, એજન્સીએ પોતાની ઉર્જા મોટા કેસો પર લગાવવી જોઈએ.
સુપ્રીમ કોર્ટની EDને ટકોર: ‘મોટા કેસો પર ધ્યાન આપો’
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સીજેઆઈ સૂર્યકાંતે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપતા રમૂજી લહેજામાં કહ્યું કે, “ગઈકાલે જ અમે અખબારમાં વાંચતા હતા કે EDએ ઘણા બધા કેસ નોંધ્યા છે. એના કરતા બહેતર છે કે તમે તે મોટા કેસો પર ધ્યાન કેન્દ્રિત કરો, જેથી તમને સકારાત્મક પરિણામો મળે.” આ સાથે જ કોર્ટે હેમંત સોરેનની અરજી પર EDને નોટિસ પાઠવીને જવાબ પણ માંગ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
આ મામલો હેમંત સોરેનના એક સહયોગી પાસેથી મળી આવેલા 8.86 એકર જમીનના દસ્તાવેજો સાથે જોડાયેલો છે. આ પુરાવાઓના આધારે EDએ સોરેન વિરુદ્ધ PMLA હેઠળ કેસ નોંધ્યો હતો. અગાઉ રાંચીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે IPCની કલમ 174 હેઠળ સમન જારી કર્યા હતા, જેને ઝારખંડ હાઈકોર્ટે પણ યથાવત રાખ્યા હતા. આ જ આદેશને સોરેને સુપ્રીમ કોર્ટમાં ‘સ્પેશિયલ લીવ પિટિશન’ દ્વારા પડકાર્યો હતો.
કોર્ટમાં વકીલો વચ્ચેની દલીલો
સુનાવણી દરમિયાન EDના વકીલે કોર્ટને જણાવ્યું કે હેમંત સોરેનને સાત વખત સમન મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા નહોતા. જેના જવાબમાં સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે, મુખ્યમંત્રી ત્રણ વખત હાજર થયા હતા, તેમ છતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ જ કેસમાં હેમંત સોરેનની અગાઉ ધરપકડ પણ થઈ ચૂકી છે અને તેમને જેલમાં જવું પડ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટના આ સ્ટેથી તેમને મોટી વહીવટી અને રાજકીય રાહત મળી છે.

