ગોવા નાઇટક્લબ આગ: 25 લોકોના મોતનો મામલો, ભારત છોડીને ભાગેલા લુથરા બ્રધર્સ થાઇલેન્ડમાં ઝડપાયા
ગોવાના એક નાઇટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 નિર્દોષ લોકોના મોત નિપજાવનારા અને ત્યારબાદ દેશ છોડીને ભાગી ગયેલા મુખ્ય આરોપીઓ સૌરભ અને ગૌરવ લુથરાની થાઇલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. ગોવા પોલીસની સઘન તપાસ અને ભારત સરકારની કડક કાર્યવાહીના કારણે આ બંને ભાઈઓ હવે કાયદાની પકડમાં આવ્યા છે.
ગોવાના અર્પોરા વિસ્તારમાં આવેલા તેમના નાઇટક્લબ ‘બિર્ચ બાય રોમિયો લેન’ (Birch by Romeo Lane) માં 6 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ભયાનક આગ લાગી હતી, જેમાં ક્લબના સ્ટાફ સભ્યો અને કેટલાક મહેમાનો સહિત 25 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ઘટના બાદ તુરંત જ લુથરા બ્રધર્સ, જેઓ દિલ્હીના મોટા રેસ્ટોરન્ટ બિઝનેસમેન છે, તેઓ દેશ છોડીને થાઇલેન્ડ ભાગી ગયા હતા.
પાસપોર્ટ રદ થયા બાદ થાઇલેન્ડ પોલીસે લીધા કસ્ટડીમાં
ગોવા પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે લુથરા ભાઈઓએ આગની ઘટના બાદ, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવામાં વ્યસ્ત હતી, ત્યારે જ એટલે કે 7 ડિસેમ્બરના વહેલી સવારે 1:17 વાગ્યે થાઇલેન્ડના ફૂકેટની ફ્લાઇટ ટિકિટ બુક કરાવી લીધી હતી. આના પરથી તેમનો તપાસમાંથી બચવાનો ઇરાદો સ્પષ્ટ થતો હતો.
ત્યારબાદ ભારત સરકારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
- ઇન્ટરપોલ બ્લુ કોર્નર નોટિસ: ગોવા પોલીસે CBI અને વિદેશ મંત્રાલય દ્વારા ઇન્ટરપોલને વિનંતી કરી હતી, જેના આધારે લુથરા બ્રધર્સ વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી, જેથી તેમની ભાળ મેળવી શકાય.
- પાસપોર્ટ સસ્પેન્ડ: ભારત સરકારે, ગોવા સરકારની વિનંતી પર, ગૌરવ અને સૌરભ લુથરાના પાસપોર્ટને તાત્કાલિક અસરથી નિલંબિત (Suspend) કરી દીધા હતા.
પાસપોર્ટ રદ થતાં જ થાઇલેન્ડમાં તેમના કાયદેસર રહેઠાણ પર પ્રશ્ન ઊભો થયો. થાઇલેન્ડ પોલીસે ગુરુવારે (11 ડિસેમ્બર) વહેલી સવારે ફૂકેટના એક રિસોર્ટમાંથી આ બંને આરોપીઓને હિરાસતમાં લીધા હતા, કારણ કે તેમના મુસાફરી દસ્તાવેજો (Travel Documents) અમાન્ય જાહેર થઈ ગયા હતા.
હવે ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
થાઇલેન્ડમાં લુથરા બ્રધર્સની અટકાયત થતાં જ ગોવા પોલીસને જાણ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બંને આરોપીઓને ટૂંક સમયમાં જ ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ભારત અને થાઇલેન્ડ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ (Extradition Treaty) છે, જે આ પ્રક્રિયાને સરળ બનાવશે. ગોવા પોલીસની એક ટીમ આ ભાઈઓને કસ્ટડીમાં લઈને ગોવા પરત લાવવા માટે થાઇલેન્ડ રવાના થઈ ચૂકી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ ખાતરી આપી હતી કે આરોપીઓને પકડીને સળિયા પાછળ ધકેલવામાં આવશે.
આરોપીઓ પર હત્યાના ગુનાની કલમો
લુથરા બ્રધર્સ પર ગોવા પોલીસે બેદરકારીથી મૃત્યુ નિપજાવવા (Culpable Homicide Not Amounting to Murder) અને બેદરકારી (Negligence) જેવી ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ક્લબના સંચાલકોએ ફાયર સેફ્ટીના પાયાના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે આટલી મોટી જાનહાનિ થઈ.
દરમિયાન, આ કેસમાં ક્લબના મેનેજમેન્ટ સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ પહેલેથી જ કરવામાં આવી છે, જેમાં ચીફ જનરલ મેનેજર, જનરલ મેનેજર સહિત અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. લુથરા ભાઈઓના એક કથિત પાર્ટનર અજય ગુપ્તાની પણ દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેને પૂછપરછ માટે ગોવા લાવવામાં આવ્યો છે.
આ ધરપકડથી એ વાત સ્પષ્ટ થઈ છે કે ભારત સરકાર ગંભીર ગુના આચર્યા પછી દેશ છોડીને ભાગી જનારા આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા કટિબદ્ધ છે.

