કામના ભારણથી જીવ ગુમાવતા કર્મચારીઓ
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ SIR કામગીરી દરમ્યાન થયેલા BLOના મૃત્યુને લઈને સરકાર અને તંત્ર પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે દેશમાં કુલ 12 રાજ્યોમાં આ કામગીરી ચાલી રહી છે, જ્યારે માત્ર ગુજરાતમાં જ 5થી વધુ BLOએ જીવ ગુમાવ્યા છે. એક અધિકારીએ તો મરણચિઠ્ઠી સાથે પોતાનું અંતિમ પગલું ભરી દીધું હોવાની માહિતી પણ તેમણે રજૂ કરી હતી. આ પરિસ્થિતિને કોંગ્રેસે અત્યંત ચિંતાજનક ગણાવી છે.
SIR પ્રોસેસ દરમિયાન દેશભરમાં 27થી વધુ મૃત્યુના દાવા
દોશીના મતે કામના વધી ગયેલા દબાણ, અધિકારીઓના મૌખિક આદેશો અને વ્યવસ્થાના અભાવ વચ્ચે કર્મચારીઓ ભાર સહન ન કરી શક્યા. નેટવર્કની સમસ્યાઓ, બિનઆયોજિત કાર્યપદ્ધતિ અને સમયસર સહાય ન મળવાથી અનેક જીવ જોખમમાં મુકાયા. તેમણે વક્તવ્યમાં દાવો કર્યો કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં 27થી વધુ કર્મચારીઓ SIR કામગીરીની અસર વચ્ચે મોતને ભેટ્યા છે. તંત્રનું મૌન અને બેદરકારી આ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.
ત્રણ કાળા કાયદા અને નોટબંધીની ઘટનાઓ સાથે તુલના
પ્રવક્તાએ અગાઉની ઘટનાઓ યાદ અપાવી હતી કે કૃષિ કાયદા વિરોધ દરમ્યાન 750થી વધુ ખેડૂતોના જીવ ગયા હતા અને નોટબંધી પછી 110થી વધુ નાગરિકોએ પ્રાણ ગુમાવ્યા હતા. તેમના અનુસાર હાલમાં SIR કામગીરી અને BLO પર વધેલા તાણને કારણે ફરી એક વખત વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠ્યો છે. રાજકોટ, મહેસાણા સહિતના વિસ્તારોમાં સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે, જેને કોંગ્રેસ લોકહિત સામેની નિષ્ફળતા ગણાવે છે.
સરકારને જમીન સ્તરે રાહતના પગલાં લેવા માંગ
દોશીએ મહેસાણાની તાજી ઘટના ઉલ્લેખતા કહ્યું કે અતિશય કામના દબાણથી એક BLOને હાર્ટ એટેક આવ્યો, જે હાલની સ્થિતિની ગંભીરતા બતાવે છે. માત્ર કેબિનેટમાં ચર્ચા અથવા ચિંતન શિબિર યોજવાથી પરિસ્થિતિ બદલાશે નહીં, જ્યાં સુધી BLOને વ્યવહારુ રાહત અને સંસાધન ન મળે. તેમણે સરકારને વિનંતી કરી કે જો જમીન પર વ્યવસ્થા અને સુરક્ષા પૂરી પાડવામાં આવશે તો જ વધુ મૃત્યુ અટકાવી શકાશે.

