કેનેડામાંથી ડિપોર્ટેશનનો નવો રેકોર્ડ: ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૩,૩૨૩ ભારતીયોને દેશનિકાલ કરાયા
વિદેશમાં સ્થાયી થવા અને અભ્યાસ માટે જવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં જ rekord ૩,૩૨૩ ભારતીય નાગરિકોને પોતાના દેશમાંથી ડિપોર્ટ (દેશનિકાલ) કરી દીધા છે. જો આ જ ઝડપે ડિપોર્ટેશન ચાલુ રહેશે, તો આ વર્ષે કેનેડામાંથી ભારતીયોને પાછા મોકલવાનો આંકડો અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખશે.
કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા દર્શાવે છે કે જૂન મહિનાના અંત સુધીમાં જ ડિપોર્ટેશનનો આંકડો વર્ષ ૨૦૨૫ના કુલ આંકડા (૩,૭૭૯) ના લગભગ ૮૮ ટકા સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે ૨૦૨૫નો આંકડો પણ પોતાનામાં એક રેકોર્ડ હતો, પરંતુ આ વર્ષે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
અમેરિકા કરતાં કેનેડામાંથી વધુ ભારતીયોને હાંકી કઢાયા
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અમેરિકા (US) ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે વધુ આકરી કાર્યવાહી કરે છે, પરંતુ વર્તમાન આંકડા તદ્દન અલગ ચિત્ર રજૂ કરે છે. કેનેડામાંથી સરહદપાર મોકલવામાં આવેલા ભારતીયોની સંખ્યા અમેરિકા દ્વારા ડિપોર્ટ કરાયેલા ભારતીયો કરતાં અઢી ગણી કરતાં પણ વધુ છે.
વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ડેટા અનુસાર, અમેરિકાએ જુલાઈ સુધીમાં ૧,૨૭૩ ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. જ્યારે તેની સરખામણીએ કેનેડાએ જૂન સુધીમાં જ ૩,૩૨૩ લોકોને દેશમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. ગયા વર્ષે પણ કેનેડાએ અમેરિકા (૩,૫૬૭) કરતાં વધુ ભારતીયો (૩,૭૭૯) ને દેશનિકાલ કર્યા હતા. આ ડેટા સ્પષ્ટ કરે છે કે કેનેડિયન તંત્ર હવે વિદેશી નાગરિકોના કાયદાકીય સ્ટેટસ અને ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે અત્યંત કડક વલણ અપનાવી રહ્યું છે.

મેક્સિકોને પાછળ છોડી ભારત પ્રથમ સ્થાને પહોંચ્યું
કેનેડામાંથી સૌથી વધુ ડિપોર્ટ કરવામાં આવતા નાગરિકોની યાદીમાં ભારતીયોએ મેક્સિકોને પણ પાછળ છોડી દીધું છે. વર્ષ ૨૦૨૦ પછી આ પહેલીવાર બન્યું છે જ્યારે કેનેડામાંથી સૌથી વધુ દેશનિકાલ કરાયેલા લોકોમાં ભારતીયો પ્રથમ ક્રમે આવ્યા હોય. ૨૦૨૦માં ૧,૪૨૪ ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા હતા.
માત્ર ડિપોર્ટ થઈ ચૂકેલા લોકો જ નહીં, પરંતુ જેમના ડિપોર્ટેશનની પ્રક્રિયા હાલ ચાલુ છે (Removals in progress inventory), તેમાં પણ ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. હાલમાં આશરે ૭,૬૬૯ ભારતીય નાગરિકો સામે કેનેડામાંથી હાંકી કાઢવાની કાનૂની અને પ્રશાસનિક પ્રક્રિયા ચાલી રહી છે, જે દર્શાવે છે કે આવનારા દિવસોમાં આ આંકડો હજુ પણ વધશે.
ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેંગસ્ટર કનેક્શન મુખ્ય કારણ
જોકે CBSA એ દેશવાર કારણોનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ આપ્યો નથી, પરંતુ નિષ્ણાતો અને તપાસ એજન્સીઓના મતે ડિપોર્ટેશનમાં થયેલા આંગીન વધારા પાછળ ‘ગુનાહિત પ્રવૃત્તિઓ’ (Criminality) સૌથી મોટું કારણ છે.
કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA), બ્રિટિશ કોલંબિયાના સરે (Surrey), અને અલ્બર્ટાના એડમન્ટન તથા કેલગરી જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વસૂલી (Extortion) અને હિંસક ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ, આ ગેંગસ્ટર નેટવર્ક અને ખંડણી રેકેટમાં ભારતીય મૂળના લોકો તેમજ લોરેન્સ બિશ્નોઈ ગેંગ જેવા સંગઠનોનું કનેક્શન સામે આવ્યું છે.
‘સ્ટુડન્ટ વિઝા’નો દુરુપયોગ અને ચોંકાવનારા આંકડા
કેનેડાની ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન ડિરેક્ટોરેટ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘ટેક્ટિકલ ગાઈડ’ રિપોર્ટમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તરીકે કેનેડા આવતા કેટલાક યુવાનોને સ્થાનિક ગેંગ અને ગુનાહિત સિન્ડિકેટ દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે.
રિપોર્ટના મુખ્ય તારણો:
સ્ટડી અને વર્ક પરમિટનો દુરુપયોગ: તપાસમાં સામે આવ્યું છે કે સ્ટડી પરમિટ અને વર્ક પરમિટ પર કેનેડા આવેલા ભારતીય નાગરિકો સંગઠિત ગુનાખોરી (Organised Crime) માં સામેલ થઈ રહ્યા છે.
૨૦૧૯ થી ૨૦૨૩ ના આંકડા: આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સ્ટડી પરમિટ ધરાવતા લગભગ ૪,૦૦૦ ભારતીયો સામે ૧૭,૯૨૯ જેટલા વિવિધ ગુનાહિત અપ્રાધો નોંધાયા હતા.
૨૦૨૪ માં સ્થિતિ વધુ વણસી: વર્ષ ૨૦૨૪ માં કેનેડિયન સ્ટડી પરમિટ ધરાવતા ભારતીય નાગરિકો સામે ૧૩,૦૪૦ થી વધુ ગંભીર ગુનાહિત કેસો દાખલ કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે લાલબત્તી સમાન સ્થિતિ
કેનેડામાં વધતા જતા વિઝા ફ્રોડ, ગેરકાયદે રોકાણ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ત્યાંની સરકાર હવે કોઈ પણ જાતની છૂટછાટ આપવા તૈયાર નથી. અનેક કિસ્સાઓમાં ફેક ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા મેળવનારા અથવા અભ્યાસ છોડીને ગેરકાયદેસર કામોમાં સંડોવાયેલા યુવાનો સામે તાત્કાલિક ધોરણે દેશનિકાલના ઓર્ડર જારી કરવામાં આવી રહ્યા છે.
આ પરિસ્થિતિ ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એક મોટી ચેતવણી સમાન છે. કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ માત્ર અધિકૃત એજન્ટો અને સાચા દસ્તાવેજોનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત, વિદેશ ગયા પછી કોઈ પણ પ્રકારની ગેરકાયદે કે ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવું અત્યંત જરૂરી છે, નહીંતર ભવિષ્ય અને કારકિર્દી બંને કાયમ માટે બરબાદ થઈ શકે છે.
