નોકરી પર સંકટ: કેન્વાના CEO નો સૌથી મોટો અને મુશ્કેલ નિર્ણય, ૧,૨૦૦થી વધુ કર્મચારીઓની નોકરી જોખમમાં!
વિશ્વભરમાં ડિઝાઇનિંગ માટે અત્યંત લોકપ્રિય બનેલા પ્લેટફોર્મ ‘કેન્વા’ (Canva) એ તેના સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની સાથેસાથે કેટલાક કર્મચારીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની યોજના બનાવી છે. કંપનીના આ મોટા નિર્ણયથી વૈશ્વિક સ્તરે ૧,૨૦૦થી વધુ કર્મચારીઓ સીધા પ્રભાવિત થઈ શકે છે.

છેદલું એક વર્ષ કેન્વા માટે ઘણું પડકારજનક રહ્યું છે, અને આ જ કારણોસર કંપની હવે પોતાના આંતરિક કામ તેમજ વહીવટી માળખાને વધુ મજબૂત અને સરળ બનાવવા તરફ આગળ વધી રહી છે. આ પગલાએ સમગ્ર ટેક ઇન્ડસ્ટ્રીમાં નોકરીઓની સ્થિરતા અને ભવિષ્યને લઈને ચર્ચા જગાવી છે.
કામકાજની પદ્ધતિમાં મોટા બદલાવ
કેન્વા હવે પોતાની કાર્યપ્રણાલીને ખૂબ જ સરળ અને ઝડપી બનાવવાની યોજના પર કામ કરી રહી છે. આ વ્યુહરચના હેઠળ કંપની પોતાના વિવિધ વિભાગો જેવા કે પ્રોડક્ટ, ગ્રોથ અને પ્લેટફોર્મને એક જ મુખ્ય ‘પ્રોડક્ટ ઓર્ગેનાઈઝેશન’ હેઠળ એકત્રિત કરશે.
આ બદલાવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અલગ-અલગ ટીમ્સ વચ્ચેનો તાલમેલ વધુ સારો બનાવવાનો અને કોઈપણ નિર્ણય ઝડપથી લેવાનો છે. આ ઉપરાંત, કંપની નાના અને નિષ્ણાત પદોને બદલે વ્યાપક જવાબદારીઓ વાળી ભૂમિકાઓ ઊભી કરવા પર ભાર મૂકી રહી છે. સાથે જ મેનેજમેન્ટના સ્તરો ઓછા કરવામાં આવશે, જેથી કર્મચારીઓ કોઈપણ પ્રોજેક્ટની શરૂઆતથી લઈને તેના અંત સુધી સીધી અને મોટી જવાબદારી નિભાવી શકે.
૧,૨૭૧ કર્મચારીઓ પર પડશે અસર
કંપની દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ પુનર્ગઠન (Restructuring) ની પ્રક્રિયાથી કુલ ૧,૨૭૧ કર્મચારીઓ પ્રભાવિત થશે, જે કેન્વા ફાઉન્ડેશનની કુલ વૈશ્વિક વૉર્કફોર્સના આશરે ૨૨ ટકા જેટલો હિસ્સો છે.
જોકે, આ તમામ કર્મચારીઓની નોકરી જશે તેવું નથી. આમાંથી કેટલાક કર્મચારીઓની હાલની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવશે, કેટલાકને કંપનીના નિર્ધારિત કાર્યાલયોમાં શિફ્ટ થવા માટે જણાવાશે, જ્યારે કેટલાક કર્મચારીઓને અનિવાર્યપણે કંપનીમાંથી વિદાય લેવી પડશે.
કેન્વાના સહ-સંસ્થાપક અને સીઈઓ મેલાની પર્કિન્સે (Melanie Perkins) કર્મચારીઓને મોકલેલા એક ભાવનાત્મક સંદેશમાં આ નિર્ણય પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સ્વીકાર્યું કે કંપનીના ૧૩ વર્ષના ઇતિહાસમાં આ સૌથી મુશ્કેલ સમય છે. તેમના મતે, આ પગલું ભરતા પહેલા કંપનીએ અન્ય ઘણા વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કર્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં નાના ફેરફારો પૂરતા સાબિત થાય તેમ નહોતા.
પ્રભાવિત કર્મચારીઓ માટે આર્થિક સહાય પેકેજ
કંપની છોડવા મજબૂર બનેલા કર્મચારીઓની મુશ્કેલીઓ ઓછી કરવા માટે કેન્વા દ્વારા એક વિશેષ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત પ્રભાવિત કર્મચારીઓને ઓછામાં ઓછા છ મહિનાનો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત, તેમને કારકિર્દી (Career) અને માનસિક સ્વાસ્થ્ય (Wellness) સંબંધી માર્ગદર્શન તથા મદદ પણ પૂરી પાડવામાં આવશે.

કેન્વાએ પોતાના સત્તાવાર નિવેદનમાં આ છટણી પાછળનું મુખ્ય કારણ સીધી રીતે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) ને ગણાવ્યું નથી, પરંતુ એ વાત પણ નકારી શકાતી નથી કે નવી ટેકનોલોજીના આગમનને કારણે ડિઝાઇનિંગ અને સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ઝડપી બદલાવ આવી રહ્યા છે. આ જ કારણ છે કે કંપની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાની કામ કરવાની શૈલી અને કર્મચારીઓની ભૂમિકાઓમાં પરિવર્તન ઈચ્છે છે.
સિડની બનશે મુખ્ય ઓપરેશનલ હબ
આ પુનર્ગઠનની નીતિ અંતર્ગત ઓસ્ટ્રેલિયાના સિડની શહેરને કંપનીની મોટાભાગની પ્રોડક્ટ ટીમ્સનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. આ માટે કેટલાક કર્મચારીઓને સિડની શિફ્ટ થવાનો વિકલ્પ પણ આપવામાં આવશે.
સાથે જ, આગામી જાન્યુઆરીથી હાઇબ્રિડ મોડલ પર કામ કરનારા મોટાભાગના કર્મચારીઓએ અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ ઓફિસ આવવું પડે તેવી અપેક્ષા રાખવામાં આવી છે, જેથી ઓફિસ કલ્ચર અને ટીમવર્કને વધુ વેગ આપી શકાય.
